
ગીર સોમનાથ 29 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસસ્થાન “ગીર” છે. ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહો સૌરાષ્ટ્રના ૩૫૦૦૦૦ ચોરસ કી.મી. વિસ્તારમાં મુક્તપણે વિહરતા રહે છે. એશિયાઈ સિંહોના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જમીન ઉપર પણ સિંહોના સહઅસ્તિત્વમાં વધારો દર્શાવતું અદભુત ઉદાહરણ બની ગયું છે.
આ અવિરત પ્રયાસોનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા તેવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુનઃસ્થાપિત કરી છે. સિંહોની અત્યાર સુધીની જીવનસફર ખરેખર ખૂબ જ કપરી રહી છે, પરંતુ જંગલના રાજા એશિયાઈ સિંહોએ કપરા સમયમાંથી ઉભરીને સિંહ પ્રજાતિ ખરેખર જંગલના રાજા હોવાનું સાબિત કરી દીધું છે.
ગીર જંગલ માત્ર પારિસ્થિતિક મહત્તા ધરાવતું નથી, પરંતુ તે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ પણ ગુજરાતના લોકોના હૃદયસ્થાનમાં બિરાજે છે. ગીરના આ અમૂલ્ય વારસાનું જતન કરવું એ વન વિભાગના સ્ટાફની સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાની પણ ફરજ છે. વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકો વન વિભાગને સહકાર તથા સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવે છે.
વન્યપ્રાણી અવરજવરવાળા વિસ્તારમાં પાકરક્ષણ માટે ખેડૂતોને ખેતર ફરતે ઇલેક્ટ્રિક શોક ન મુકવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક શોકને કારણે વન્યપ્રાણીઓની સાથે સાથે ઘણી વખત કિંમતી પશુઓ તેમજ લોકોનો પણ ભોગ લેવાતો હોવાનું સામે આવ્યું છે. જેથી વન્યપ્રાણીઓ, પશુઓ અને માનવજીવનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખેતર ફરતે ઇલેક્ટ્રિક શોક ન મુકવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.
વન્યપ્રાણીઓની અવરજવર ધરાવતા વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે જોખમરૂપ ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવા પણ નમ્ર અપીલ કરવામાં આવે છે. ખુલ્લા કૂવાઓની ફરતે પારાપેટ દીવાલ બાંધી તેમને સુરક્ષિત કરવા અંગે ગુજરાત સરકારશ્રીની હાલમાં ચાલતી યોજનામાં ૯૦% સબસિડી સરકાર તરફથી આપવામાં આવે છે. જેથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરી વન્યપ્રાણીઓની સલામતીમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.
રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતિય લોકો દંગા બાંધીને રહેતા હોય છે, જે મૂળ શિકારી પ્રવૃત્તિથી ટેવાયેલા હોય છે. આવા કોઈ શંકાસ્પદ દંગાઓ કે શિકારી પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો નજીકની વન વિભાગની કચેરી અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૭૮૯ અથવા ૧૯૨૬ પર સંપર્ક સાધવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
ગીરના એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની આ ગૌરવપૂર્ણ યાત્રાને સતત આગળ વધારવા વન વિભાગ સાથે જનભાગીદારી અને સહકાર જાળવવો એ સૌની સહિયારી જવાબદારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ