શ્રી સોમનાથ મહાદેવનો દિવ્ય તલ-શૃંગાર: શ્રાવણ કૃષ્ણ એકમ પર ભક્તોને મળ્યા અલૌકિક દર્શન
સોમનાથ, 29 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકમ નિમિત્તે દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર જ્યોતિર્લિંગ પર સફેદ તલ વડે અત્યંત મનમોહક અને દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. સનાતન હિન્દુ ધર્મમાં તલને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવે છે, જ
સોમનાથ મહાદેવનો દિવ્ય તલ-શૃંગાર


સોમનાથ, 29 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકમ નિમિત્તે દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર જ્યોતિર્લિંગ પર સફેદ તલ વડે અત્યંત મનમોહક અને દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.

સનાતન હિન્દુ ધર્મમાં તલને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવે છે, જેના કારણે યજ્ઞ તેમજ અન્ય ધાર્મિક વિધિઓમાં તેનું વિશેષ સ્થાન છે. સફેદ તલ એ શુદ્ધતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. સોમનાથ મહાદેવને કરાયેલા આ વિશિષ્ટ તલ-શૃંગાર પાછળનો મુખ્ય ભાવ એ છે કે, ભગવાન શિવ ભક્તોના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી તેમને શુદ્ધતા અને સકારાત્મકતા પ્રદાન કરે.

ધર્મગ્રંથો અને આયુર્વેદમાં તલનું અનેરું મહત્વ:

ઔષધિય ગુણો: 'શ્રી વિષ્ણુ પુરાણ', 'પદ્મ પુરાણ' અને 'બ્રહ્માંડ પુરાણ'માં તલને એક શ્રેષ્ઠ ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર તલ વાત, પિત્ત અને કફ જેવા ત્રિદોષના વિકારોને દૂર કરી રોગનો નાશ કરનાર છે.

વ્રત અને દાન મહિમા: 'મત્સ્ય પુરાણ', 'પદ્મ પુરાણ', 'બ્રહ્મનારદીય પુરાણ' અને 'લિંગ પુરાણ'માં તલ સાથે જોડાયેલા પશુપત, સૌભાગ્ય અને આનંદ વ્રતનું સુંદર વર્ણન છે. આ ઉપરાંત 'શિવપુરાણ'માં તલના દાનનો વિશેષ મહિમા ગાવામાં આવ્યો છે.

પિતૃ મોક્ષ: 'બૃહન્નાર્દીય પુરાણ' અનુસાર, પિતૃકર્મમાં જેટલા તલનો ઉપયોગ થાય છે, તેટલા હજાર વર્ષ સુધી પિતૃઓ સ્વર્ગમાં વાસ કરે છે. જ્યારે 'ગરુડ પુરાણ' જણાવે છે કે પિતૃઓને તલ અને ગંગાજળ અર્પણ કરવાથી તેમને સીધી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

સનાતન ધર્મગ્રંથોમાં તલના પૂજનને સર્વ સમસ્યાઓનો નાશ કરનારું માનવામાં આવ્યું છે. એવી દ્રઢ માન્યતા છે કે પવિત્ર સફેદ તલથી સુશોભિત શ્રી સોમનાથ મહાદેવના આ દિવ્ય શૃંગારના દર્શન માત્રથી ભક્તોના સર્વ પાપોનું શમન થાય છે અને તેમના જીવનમાં અખૂટ સુખ-શાંતિનો સંચાર થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande