
સોમનાથ,29 ઓગસ્ટ (હિ.સ.) મહિલાઓ ઉદ્યોગ સાહસિક તરીકેની ઓળખ બનાવી શકે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે એ હેતુસર સોમનાથના આંગણે શ્રાવણ ઉત્સવ યોજાયો છે. આ શ્રાવણ ઉત્સવમાં વિવિધ જિલ્લાઓની સખીમંડળના બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓને એક જ સ્થળે પ્રદર્શન અને વેચાણ માટેની ઉત્તમ તક મળી છે.
ભૂમિકા મિશન મંગલમ સાથે જોડાયેલા સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બેડિયા ગામના જયશ્રી જાલોંધ્રા આવા જ એક મહિલા ઉદ્યોગસાહસિક છે. જેમની પરંપરાગત અને ભાતીગળ કાપડશૈલીને આ મેળા થકી પ્રોત્સાહન મળ્યું છે અને તેમના ઉત્પાદનોને વધુ વ્યાપક બજાર મળ્યું છે.
જયશ્રીબહેને જણાવ્યું હતું કે, ‘શ્રાવણ ઉત્સવ’ જેવા મેળાઓ થકી મહિલાઓ દ્વારા ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વધુ વ્યાપક બજાર મળે છે. અમારા મંડળની અંદર અમે 10 થી વધુ બહેનો કામ કરીએ છીએ. વિધવા બહેનો, દિવ્યાંગ બહેનો અને જે બહાર જઈને કામ નથી કરી શકતા એવા બહેનો પણ સખીમંડળમાં જોડાઈને આર્થિક રીતે પગભર બન્યાં છે.
વિવિધ પ્રદેશની ઓળખ સમાન પહેરવેશની સંસ્કૃતિ લૂપ્ત થતી જાય છે. જેથી અમે અમારા કપડાઓના માધ્યમથી આવનારી પેઢીને પણ એ દર્શાવવા ઈચ્છીએ છીએ કે, વિવિધ ભાત, વિવિધ આભલા અને વિવિધ રંગોના સંમિશ્રણથી પહેરવેશની ભાતીગળ સંસ્કૃતિનું મહત્વ છે. અમારી કાર્યશૈલી થી કપડાઓ થકી સંસ્કૃતિ જીવંત રહે એવા હેતુસર પરંપરાગત કાપડનું વેચાણ કરીએ છીએ. એમ એમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સખીમંડળના માધ્યમથી ભગવાનના વસ્ત્ર, હોમડેકોરેશનની ચીજવસ્તુઓ, પરંપરાગત પહેરવેશ વગેરેની બનાવટ અને વેચાણથી બહેનોને મહિને 10 થી 15 હજારની આવક મળી રહે છે. શ્રાવણ મહિનામાં અમે સોમનાથ દાદાના સાન્નિધ્યમાં શ્રાવણ ઉત્સવમાં ભાગ લેવાની તક મળી એ બદલ અમે નસીબદાર છીએ અને ઉત્તમ સુવિધાઓ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરીએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ