
ગીર સોમનાથ 29 ઓગસ્ટ (હિ.સ.)
વેરાવળ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર એલ. ડી. મહાપાત્રે 35 વર્ષની પ્રશંસનીય સેવાઓ બાદ નિવૃત્તિ લીધી છે. તેમની સેવાઓને બિરદાવવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મૂળ જગન્નાથ પુરી (ઓડિશા) ના વતની મહાપાત્રે 8 નવેમ્બર 1991ના રોજ પોતાની રેલવે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે તેમની લાંબી સેવા દરમિયાન વેરાવળ, સોમનાથ અને તાલાલા જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
રેલવે સેવાની સાથે, તેમણે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તાલાલા ખાતે સેવા દરમિયાન, તેમણે 'હનુમાન ચાલીસા ધૂન મંડળ' શરૂ કર્યું હતું, જે દ્વારા બાળકોને સંસ્કારી બનાવવાનું કાર્ય કર્યું હતું.
વેરાવળ ખાતે તેમણે 'રેલવે ગરબી મંડળ'નું સફળ સંચાલન કર્યું હતું. આ મંડળ દ્વારા આસપાસની 180થી વધુ બાળાઓને એકત્રિત કરી રાસ-ગરબાની પ્રેક્ટિસ કરાવી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા.
નિવૃત્તિ સન્માન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને PRO કૌશલ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં વર્તમાન સ્ટેશન મેનેજર રાજીવ મિશ્રા, રેલવે વિભાગ વિકાસ નિગમ લિમિટેડના GM ભરતભાઈ ગીડા, રેલવે ભાવનગર ડી.ઈ.એમ. રાજીવકુમાર સિંહ, રેલવે CWS દેસાઈ સાહેબ, રેલવે TI રાજેશ ઠાકુર, રેલવે પોલીસ IPF ભવાનીસિંગ, વેરાવળ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના આઈ.ટી. મેનેજર રાવ સાહેબ, DRUCC ભાવનગર ડિવિઝન ચેરપર્સન અનિસ રાચ્છ, વેરાવળ રેલવે યાત્રી કમિટીના મુકેશ ચોલેરા, લાલચંદ પરશુરામ, ગજેન્દ્રભાઈ અપારનથી, તેમજ રાહુલભાઈ કારિયા સહિત પત્રકાર મિત્રોનો સમાવેશ થતો હતો.
ઉપસ્થિત મહાનુભાવોએ મહાપાત્રાના કાર્યકાળ દરમિયાન કરેલા સેવાકીય કાર્યોને યાદ કરી બિરદાવ્યા હતા. તેમને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને ઉપહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોતાની સેવાનિવૃત્તિ વેળાએ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જગન્નાથ ધામથી સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ, હરિ અને હરની ભૂમિ સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં સેવા કરવાનો મને મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ 35 વર્ષ દરમિયાન રેલવે સ્ટાફ, મીડિયા મિત્રો, રેલવે DRUCC યુઝર્સ કમિટીના સભ્યો અને સ્થાનિક જનતા તરફથી જે સહયોગ મળ્યો છે તે બદલ હું તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
અંતમાં, તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં સૌના સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ સૌએ સાથે સ્નેહભર્યા ભોજનનો સ્વાદ માણ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ