
કચ્છ, 29 ઓગસ્ટ (હિ.સ.) વર્ષામેડી ગામમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર અંજાર પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.38,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બી-બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષામેડી ગામની સાંઈ આશીશ સોસાયટી વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં એકઠા થઈ ગંજીપાનાથી રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ પહોંચી દરોડો પાડતા ત્યાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં વર્ષામેડીના સરદાર સોસાયટીમાં રહેતો 39 વર્ષીય હિરેન શશીકાન્ત જોષી, ફકીર ફળિયામાં રહેતો 32 વર્ષીય ખેતા રામજી ભીલ, દરબારગઢ વિસ્તારમાં રહેતો 35 વર્ષીય પૃથ્વીરાજસિંહ ઉર્ફે કાનો નોગુભા જાડેજા, ફકીર ફળિયામાં રહેતો 35 વર્ષીય અકરમ સિધીક જીયેજા અને પંપ હાઉસ સામે રહેતો 36 વર્ષીય જીત્તેશ રણમલ અખીયાણીનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.12,600 રોકડા, પાંચ મોબાઈલ ફોન કિંમત રૂ.25,500 તથા ગંજીપાનાં કબજે કર્યા હતા. આમ કુલ રૂ.38,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar