
ભાવનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) રસ્તા પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત, બીમાર, અપંગ કે નિરાધાર શ્વાનો રઝળતા જોવા મળતા હોય છે. સમયસર સારવાર અને આશરો ન મળતા આવા શ્વાનો પીડાદાયક સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બને છે. ત્યારે આવા નિરાધાર શ્વાનોની સેવા અને સારવારના ઉમદા હેતુ સાથે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોખડકા ગામના મિત્રોએ ‘જીવનદાન ડોગ સેન્ટર’ શરૂ કર્યું છે. હાલ સોનગઢ હાઇવે પર કાર્યરત આ સેન્ટરમાં આશરે 60 જેટલા ઇજાગ્રસ્ત, બીમાર અને અપંગ શ્વાનોને આશરો આપવામાં આવી રહ્યો છે.
સેન્ટરમાં શ્વાનોને માત્ર રહેવાની જગ્યા જ નહીં, પરંતુ ભોજન, પાણી, તબીબી સારવાર અને નિયમિત સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. રસ્તા પર કોઈ બીમાર કે ઇજાગ્રસ્ત શ્વાન જોવા મળે ત્યારે સ્થાનિક લોકો સંચાલકોને જાણ કરે છે અથવા શ્વાનને જાતે સેન્ટર સુધી પહોંચાડે છે. ત્યારબાદ તેની સ્થિતિ મુજબ ડોક્ટરી સારવાર કરાવી સેન્ટરમાં તેની સંભાળ લેવામાં આવે છે.
અહીં કેટલાક શ્વાનો અકસ્માતમાં એક કે બે પગ ગુમાવી ચૂક્યા છે, કેટલાકની કમર ભાંગી ગઈ છે, જ્યારે કેટલાક શ્વાનો આંખોની રોશની ગુમાવી ચૂક્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ તેમને ત્યજી દેવાને બદલે પ્રેમ અને લાગણીથી સારવાર આપવામાં આવે છે. પાલીતાણાથી શ્વાનોની સારવાર માટે ગાડી સાથે ડોક્ટરો પણ આવે છે.
સેન્ટર શરૂ કરનાર અશોકભાઈ વાઘેલા, સાવનભાઈ મેર સહિતના મિત્રોએ જણાવ્યું હતું કે, રસ્તાઓ પર પીડાતા શ્વાનોને જોઈને એક વર્ષ પહેલાં તેમને આશરો અને સારવાર આપવાનો વિચાર આવ્યો હતો. અગાઉ અન્ય જગ્યાએ સેન્ટર શરૂ કર્યું હતું, પરંતુ જગ્યાના અભાવે હાલ સોનગઢ હાઇવે પર નવું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
સંચાલકોના જણાવ્યા મુજબ જન્મદિવસ, તિથિ, લગ્નદિવસ કે અન્ય પ્રસંગોએ લોકો દાન આપે છે. પ્રસંગોમાં વધેલું ભોજન પણ સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવાભાવી પ્રયાસથી 60 જેટલા નિરાધાર શ્વાનોને સુરક્ષિત આશરો અને જીવન જીવવાની નવી તક મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA