
નવસારી, 29 ઓગસ્ટ (હિ.સ.) નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ વિસ્તારમાં મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી થતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. વીડિયોમાં એક યુવતી ચહેરો ઓઢણીથી ઢાંકીને મોપેડ પર દારૂ લઈ જતી જોવા મળી હતી. સ્થાનિક યુવકોએ શંકાના આધારે તેને અટકાવી પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેના બાદ વીડિયો ઝડપથી વાયરલ બન્યો હતો.
વાયરલ વીડિયો મળતા જ મરોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં દેખાતી TVS જ્યુપિટર મોપેડના રજિસ્ટ્રેશન નંબરના આધારે વાહનના માલિક સુધી પહોંચીને પોલીસે બોરસી માછીવાડ ગામમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી બેલાબેન અને તેમની માતા રેખાબેનની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોપેડમાંથી બે પ્લાસ્ટિકની થેલીઓમાં રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી.
પોલીસે રૂ. 14,400 કિંમતનો દારૂ તેમજ રૂ. 50,000ની મોપેડ સહિત કુલ રૂ. 64,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માતા-પુત્રી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સંડોવાયેલી અન્ય મહિલા આરોપી રેણુકાબેન હાલ ફરાર છે અને તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે