બહુચરાજી માતાજી મંદિરના પુનઃનિર્માણની કામગીરી પુરજોશમાં, પ્રથમ ફેઝનું 60% કામ પૂર્ણ
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) 51 શક્તિપીઠોમાંના એક અને સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરના પુનઃનિર્માણ અને સર્વાંગી વિકાસની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ₹76.51 કરોડના ખર્ચે હાથ ધરાયેલા
બહુચરાજી માતાજી મંદિરના પુનઃનિર્માણની કામગીરી પુરજોશમાં, પ્રથમ ફેઝનું 60% કામ પૂર્ણ


મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.)

51 શક્તિપીઠોમાંના એક અને સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરના પુનઃનિર્માણ અને સર્વાંગી વિકાસની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ₹76.51 કરોડના ખર્ચે હાથ ધરાયેલા ભવ્ય પ્રોજેક્ટનું પ્રથમ ફેઝનું આશરે 60 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજીની તર્જ પર બહુચરાજી ધામનો વિકાસ વૈશ્વિક સ્તરે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પ્રોજેક્ટના સુચારુ અમલીકરણ માટે મંદિરની આસપાસની મિલકતોનો તબક્કાવાર સર્વે હાથ ધરાયો છે. 75 મીટરની ત્રિજ્યામાં મંદિર અને સરકારી માલિકીની 44, ખાનગી માલિકીની 51 તથા 6 ધર્મશાળા મળી કુલ 101 મિલકતો નોંધાઈ છે. જ્યારે 150 મીટરની ત્રિજ્યામાં સરકારી 95 અને ખાનગી 53 મળી કુલ 148 મિલકતોનો સર્વે પૂર્ણ થયો છે. હાલમાં 500 મીટરની ત્રિજ્યામાં સર્વેક્ષણ ચાલી રહ્યું છે.

મંદિરનું નવનિર્માણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ આર્કિટેક્ટ અને અર્થ ફાઉન્ડેશન દ્વારા વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના બંસી પહાડપુરના લાલ પથ્થરથી નિર્માણ પામનારા મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈ 86 ફૂટ અને 1 ઇંચ રહેશે. મંદિરના સ્તંભ, તોરણ, બાહ્ય એલિવેશન, સામરણ અને મુખ્ય દ્વાર પર કલાત્મક કોતરણી કરવામાં આવશે. વિશાળ ગૂઢમંડપ અને નૃત્યમંડપ સાથે ભવ્ય મંદિરનું નિર્માણ આકાર લઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande