
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) ઊંઝા તાલુકાના ડાભી ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. આગની ઘટનામાં ઘરની તમામ ઘરવખરી તેમજ રૂ.15 હજારની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આગ લાગી ત્યારે પરિવારના સભ્યો મકાનમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
મળતી માહિતી મુજબ, ડાભી ગામે ઠાકોર કરસનજી પ્રતાપજીના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આગના કારણે મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં આસપાસના ગ્રામજનોનું ધ્યાન ગયું હતું. ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સ્થાનિકોના પ્રયાસોને કારણે આગ આજુબાજુના અન્ય મકાનોમાં પ્રસરતી અટકાવી શકાય હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે મકાનમાં રહેલી ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઉપરાંત, દૂધ ડેરીના પ્રમુખ તખાજી દ્વારા અગાઉના દિવસે જ વહેંચવામાં આવેલા દૂધ ડેરીના રૂ.15 હજારના વધારાની રોકડ રકમ પેટીમાં રાખવામાં આવી હતી. આગની ચપેટમાં આ રોકડ રકમ પણ આવી જતાં બળીને રાખ થઈ ગઈ હતી.
આ ઘટનાને પગલે પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR