
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.)
વિજાપુર તાલુકાના વસાઈ ગામ નજીક બાઈક દિવાલ સાથે અથડાતાં 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વિસનગરના કડા ગામે બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા વિક્રમસિંહ ભગતસિંહ ચાવડા (ઉં.વ. 35) ગત 28 ઑગસ્ટના રોજ સાંજે આશરે 5 વાગ્યે હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-18-Q-3688 લઈને વસાઈથી ગોજારીયા તરફ જઈ રહ્યા હતા.
દરમિયાન વસાઈ ગામે ફૂલબાઈ માતાના મંદિર નજીક આવેલા આદેશ આશ્રમ પાસે તેઓ બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યા હતા. આ દરમિયાન બાઈક રસ્તા નજીકની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્મતમાં બાઈક ચાલક વિક્રમસિંહ ચાવડાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના મોટાભાઈ અનુપસિંહ ચાવડાએ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર સોમાભાઈ પટેલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR