સુરત ખાતે સિગ્નલ સ્કૂલ બસને ફ્લેગ ઓફ તેમજ GSLSA વોર રૂમ અને કાયમી લોક અદાલતનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ
સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA), જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-સુરત, સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને NALSA ના એક્ઝિક્યુટિવ ચેરમેન
Vikram Nath flags


સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA), જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-સુરત, સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને NALSA ના એક્ઝિક્યુટિવ ચેરમેન વિક્રમ નાથના અધ્યક્ષસ્થાને 'ઉડાન - અધિકારોથી આત્મનિર્ભરતા' કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને GSLSA ના પેટ્રોન-ઇન-ચીફ સુનિતા અગ્રવાલ તેમજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અને GSLSA ના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ અલ્પેશ વાય. કોગજેની વિશેષ ઉપસ્થિતિમાં વિક્રમ નાથના હસ્તે વંચિત અને જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાના અભિયાન અંતર્ગત સિગ્નલ સ્કૂલ બસને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાથોસાથ તેમણે કાનૂની સેવાઓ અને તેના મોનિટરિંગને વધુ સચોટ તેમજ ઝડપી બનાવવા માટે વોર રૂમ તેમજ નાગરિકોને સરળતાથી અને ઝડપથી ન્યાયિક નિરાકરણ મળી રહે તે હેતુસર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ક્લસ્ટર માટે કાયમી લોક અદાલતનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો.

સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથે જણાવ્યું કે, સરકારી કે ન્યાયિક સંસ્થા ત્યારે જ સફળ અને સ્વીકાર્ય બને છે જ્યારે તે આમ નાગરિકો સુધી પહોંચે. તેમણે GSLSA વોર રૂમ, સિગ્નલ સ્કૂલ, કાયમી લોક અદાલતની પહેલોને નાગરિકો અને ન્યાય સંસ્થાઓ વચ્ચેનું અંતર ઘટાડતું ઉમદા કદમ ગણાવ્યું હતું.

કાનૂની સહાય માત્ર વકીલ પૂરો પાડવા પૂરતી સીમિત નથી. ન્યાયિક કામગીરીનું આકલન માત્ર કાગળ પરના આંકડાઓથી નહીં, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં કેટલું વાસ્તવિક પરિવર્તન આવ્યું તેના આધારે થવું જોઈએ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ટ્રાફિક સિગ્નલ પર રહેતા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાની માનવીય પહેલની સરાહના કરતા વિક્રમ નાથે કહ્યું કે, સિગ્નલ સ્કૂલ માત્ર એક બસ નથી, પરંતુ બાળકને નિયમિત શાળા અને તેના સપનાઓ સુધી પહોંચાડતો એક મજબૂત પુલ છે. ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા બાળકને માત્ર ભિક્ષા કે મજૂરી કરતા બાળક તરીકે જોવાના બદલે તેને ભવિષ્યના સપના જોવાની તક આપવી એ સિગ્નલ સ્કૂલનો મુખ્ય હેતુ છે. અમદાવાદની સફળતા બાદ સુરતમાં તેના પ્રારંભ બદલ ખુશી વ્યક્ત કરી હતી. વોર રૂમના માધ્યમથી કાનૂની સહાય ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચી રહી છે કે નહીં તેની દેખરેખ રાખી શકાશે. જ્યારે કાયમી લોક અદાલતના કારણે સામાન્ય નાગરિકોને બિનજરૂરી સમય અને ખર્ચ વગર ઝડપી ન્યાય મળી રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે ગુજરાતને પોતાનું બીજું ઘર ગણાવી ગુજરાત સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું કે, ગુજરાતી લોકોની આત્મીયતા, આતિથ્ય, ઉદ્યોગસાહસિકતા અને સેવાભાવ અતુલ્ય છે. ગુજરાતના કાર્યકાળ દરમિયાન માણેલો ગાંઠિયા અને ખાખરાનો આસ્વાદ તરોતાજા છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે, સરકાર અને ન્યાયતંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ન્યાય માટે ભટકવું ન પડે, પરંતુ ન્યાય ખુદ નાગરિકના દ્વાર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળોમાં ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપીને સમયસર કેસોના નિકાલ અને ન્યાયિક પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવામાં આવી છે. દૂર-સુદૂર અને ગ્રામીણ વિસ્તારો સુધી કાનૂની સેવાઓ પહોંચાડવા માટે 'મોબાઈલ લોક અદાલત’ વાનની સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

તેમણે ‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે અમદાવાદની સફળ તર્જ પર હવે સુરતમાં પણ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ સફળ બનશે એવી અપેક્ષા વ્યકત કરતા ઉમેર્યું કે, સુરત મનપા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી રાંદેર ઝોનથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં રોડ પર, ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા ૬ થી ૮ વર્ષની વય જૂથના બાળકોને રેસ્ક્યુ કરી શિક્ષણ અપાશે. ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા કે શ્રમ કાર્ય કરતા બાળકોને બ્રિજ કોર્સના માધ્યમથી મુખ્યધારાના શિક્ષણ સાથે જોડવા માટે સિટી લિંક બસને વિશેષરૂપે તૈયાર કરાઈ છે. આ બાળકોને નિયમિત શિક્ષણની સાથે મધ્યાહન ભોજન, હેલ્થ ચેકઅપ, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. અત્યાર સુધી આ અભિયાન અંતર્ગત ૬૫૦ થી વધુ બાળકોને નજીકની મ્યુનિસિપલ શાળાઓમાં સફળતાપૂર્વક પ્રવેશ અપાવવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યભરના ૩૨ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો, ૨૫૭ તાલુકા કાનૂની સેવા સમિતિઓ, 1500 કાનૂની સેવા ક્લિનિક્સ, ૪૨૦૦થી વધુ પેરા-લીગલ વોલન્ટિયર્સ અને 1700 થી વધુ પેનલ લાયર્સના વિશાળ નેટવર્કનું સંકલન હવે આધુનિક 'વોર રૂમ' દ્વારા કરવામાં આવશે. આનાથી પરંપરાગત પેપરવર્ક અને ડેટા વિલંબની સમસ્યાઓ દૂર થશે તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) સાથે વધુ સચોટ સંકલન થઈ શકશે. આ ઉપરાંત, પક્ષકારોએ નાના વિવાદો માટે લાંબી મુસાફરી ન કરવી પડે અને પોતાના જ વિસ્તારમાં- ઘરઆંગણે વિવાદોનો ઉકેલ મળે એ માટે કલસ્ટર આધારિત કાયમી લોક અદાલત ની ચાર નવી કડીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તથા GSLSA ના કારોબારી અધ્યક્ષ અલ્પેશ કોગજેએ જણાવ્યું કે, ન્યાય, શિક્ષણ અને રાજ્યની સંસ્થાકીય સહાય સામાન્ય નાગરિક સુધી વધુ સરળતાથી, ઝડપથી પહોંચી શકે તે માટે 'સિગ્નલ સ્કૂલ', 'ઈ-કાયમી લોક અદાલત' અને 'GSLSA વોર રૂમ'ની ત્રિવિધ પહેલો ભલે અલગ-અલગ હોય, પરંતુ તેમનો મુખ્ય હેતુ સમાજના અંતિમ વ્યક્તિ સુધી તેના હક્ક અને ન્યાય પહોંચાડવાનો છે. ભારતના બંધારણના અનુચ્છેદ 39A મુજબ સમાન તકના આધારે દરેક નાગરિકને કાનૂની સહાય મળે તે સુનિશ્ચિત કરવાની આ બંધારણીય જવાબદારી માત્ર અદાલત ખંડ સુધી મર્યાદિત ન રહેતા ટ્રાફિક સિગ્નલના બાળકો, દૂરના ગ્રામીણ નાગરિકો, જેલના બંદીવાનો અને સામાન્ય માનવી સુધી પહોંચશે.

કોગજેએ કહ્યું કે, સમયસર કાનૂની સહાય મેળવનાર છેવાડાનો પ્રત્યેક નાગરિક બંધારણ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરે છે અને ન્યાયસંગત સમાધાનથી ઉકેલાતો દરેક વિવાદ ન્યાય વ્યવસ્થાને પ્રજાની વધુ નજીક લાવે છે.

સૂરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદીએ મહાનુભાવોને આવકારી છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતિ પહોંચાડવા અને નાગરિકોને કાનૂની સહાય સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે ન્યાય તંત્ર, કાનૂની સેવા સત્તા મંડળની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ વેળાએ નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને છોડ, પેન્સિલ સ્કેચ અને મેમેન્ટો આપી અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે હાઈકોર્ટના જજ એ.એસ. સુપૈયા, મેયર માયા માવાણી, ઈ. મ્યુ. કમિશનર અને જિલ્લા કલેકટર તેજસ પરમાર, ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીર, સુરત જિલ્લા બાર એસોસિએશનના અધ્યક્ષ ગૌતમ પટેલ અને હોદ્દેદારો, ન્યાયાધીશગણ, ન્યાયિક અધિકારીઓ, વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande