
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) ‘છોટી કાશી’ તરીકે ઓળખાતા ધાર્મિક શહેર જામનગરની વૈશ્વિક ઓળખ સમાન શ્રી બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂને આજે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વવિખ્યાત આ અવિરત રામધૂને 62 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 63મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ પાવન અવસરે મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો, મનોરથ દર્શન અને 51 દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ દર્શન કરી રામનામના જાપમાં સહભાગી બની આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.જામનગર શહેરના હૃદયસ્થળ એવા રણમલ તળાવની પાળે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરમાં સંત સદ્દગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના પવિત્ર માર્ગદર્શન હેઠળ 1 ઓગસ્ટ, 1964ના રોજ ‘શ્રીરામ જય રામ જય જય રામ’ના અખંડ મંત્રજાપની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી આ રામધૂન એક ક્ષણ માટે પણ અટક્યા વિના અવિરત ચાલુ રહી છે. 1 ઓગસ્ટ, 2026ના રોજ આ અખંડ રામધૂને 62 વર્ષ પૂર્ણ કરીને 63મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.બાલા હનુમાન મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂન માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ અડગ શ્રદ્ધા અને સંકલ્પનું જીવંત પ્રતીક બની છે. વર્ષો દરમિયાન ટાઢ, તડકો, મુશળધાર વરસાદ, વિનાશક વાવાઝોડાં, ભૂકંપ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી અનેક કુદરતી આફતો આવી છતાં રામધૂન ક્યારેય બંધ થઈ નથી. કોરોના જેવી વૈશ્વિક મહામારીના કપરા સમયમાં પણ માસ્ક અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને મંત્રજાપ અવિરત ચાલુ રાખવામાં આવ્યો હતો. આ કારણે આ રામધૂન આજે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને દિવ્ય શક્તિનું પ્રતીક બની છે.63મા વર્ષમાં મંગળ પ્રવેશના પાવન પ્રસંગે બાલા હનુમાન મંદિરમાં મનોરથ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે યોજાયેલી 51 દીવાની ભવ્ય મહાઆરતીમાં જામનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ રામધૂનમાં સહભાગી બની ભગવાન શ્રીરામના નામનો જાપ કર્યો અને મહાઆરતીના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘શ્રીરામ જય રામ જય જય રામ’ના અવિરત ગુંજારવથી ભક્તિમય બની ગયું હતું.શ્રી બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનને વિશ્વસ્તરે પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. સતત વર્ષો સુધી અવિરત ચાલતી આ રામધૂનને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. જેના કારણે જામનગરને માત્ર ધાર્મિક નગરી તરીકે જ નહીં પરંતુ વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આકર્ષણના કેન્દ્ર તરીકે પણ આગવી ઓળખ મળી છે. 62 વર્ષની આ અવિરત પરંપરા આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt