જન્માષ્ટમી લોકમેળા-2026 ના આયોજન અંગે બેઠક યોજાઈ.
પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે “મૈત્રી, ભક્તિ, સંસ્કૃતિના પાવન પર્વ” એવા શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા-2026 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકમેળા
જન્માષ્ટમી લોકમેળા-2026 ના આયોજન અંગે બેઠક યોજાઈ.


જન્માષ્ટમી લોકમેળા-2026 ના આયોજન અંગે બેઠક યોજાઈ.


પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે “મૈત્રી, ભક્તિ, સંસ્કૃતિના પાવન પર્વ” એવા શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા-2026 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકમેળાના સુચારુ આયોજન માટે જન્માષ્ટમી લોકમેળા સમિતિ-2026 ની રચના કરવામાં આવી છે.

આ અનુસંધાને લોકમેળાની વિવિધ કામગીરી અંગે સમિતિના સભ્યો તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મેયર સાગર મોદીના માર્ગદર્શન હેઠળ અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મેયર સાગર મોદીએ લોકમેળામાં આવનાર શહેરીજનો તથા મુલાકાતીઓની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા જરૂરી સૂચનોને આવકારવામાં આવ્યા હતા.

લોકમેળાના આયોજનને લઈને ચોપાટી મેળા ગ્રાઉન્ડના ત્રણ પ્રવેશદ્વારોની પહોળાઈ વધારવા, મેળાની અંદર દુકાનધારકોને માલસામાનના પરિવહન માટે બે વિશેષ પ્રવેશદ્વાર નક્કી કરવા તેમજ લોર્ડ્સ હોટેલ પાસેના પ્રવેશદ્વારને વીવીઆઈપી પ્રવેશ માટે રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટી રાઈડ્સમાં સીસીટીવી કેમેરાની સુવિધા ફરજિયાત રાખવા, રિલાયન્સ ફુવારા તથા ટ્રાફિક પોલીસ ચોકી પાસેથી અવરજવર માટે બંને બાજુ બેરીકેટની વ્યવસ્થા કરવા અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં લોકોની દોડધામ ન થાય તે માટે વચ્ચેના ભાગમાં આપાતકાલીન વાહનોની અવરજવર માટે યોગ્ય માર્ગ વ્યવસ્થા રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આનંદમેળામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સીસીટીવી તથા સુરક્ષા કર્મચારીઓની પૂરતી વ્યવસ્થા કરવા જણાવાયું હતું. ચકડોળ સહિતની રાઈડ્સ માટે ટિકિટ પર ભાવ મોટા અને સ્પષ્ટ અક્ષરોમાં દર્શાવતી નવી ટિકિટ છપાવવા સૂચના આપવામાં આવી હતી. ખાણીપીણીના સ્ટોલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ મહત્તમ છૂટક વેચાણ કિંમત (એમ.આર.પી.) કરતાં વધુ ભાવે ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તમામ ખાણીપીણીના સ્ટોલધારકો દ્વારા ભાવ દર્શાવતું મેનુ ફૂડ ઇન્સ્પેક્ટર અને પ્રાઈઝ ઇન્સ્પેક્ટરને જમા કરાવવું ફરજિયાત બનાવવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં લોકમેળા દરમિયાન વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંબંધિત વિભાગોને તેમની જવાબદારીઓનું અસરકારક રીતે નિર્વહન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડી.વાય.એસ.પી. ઋતુ રાબા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર, જિલ્લા આરોગ્ય અધિકારી, યાંત્રિક વિભાગના કાર્યપાલક ઇજનેર, એફ.ડી.સી.એ.ના ફૂડ સેફ્ટી ઓફિસર, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગ, સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરી તથા મામલતદાર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande