
પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) શહેરની કેબી તાજાવાલા સ્કૂલમાં વિદ્યાર્થીનીને ઈજા પહોંચવાના મુદ્દે વાલી અને સ્કૂલના ટ્રસ્ટી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવતા કમલાબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, પિન્ટુ રામજી ભાદ્રેચાની પુત્રીને સ્કૂલ પરિસરમાં લગાવેલી લોખંડની જાળી હાથમાં વાગતાં ઈજા પહોંચી હતી. આ અંગે તેઓ સ્કૂલ સ્ટાફ સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવ ઉશ્કેરાઈ ગયા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટીએ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બીજી તરફ સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવે પણ પિન્ટુ રામજી ભાદ્રેચા સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તેઓ સ્કૂલમાં હાજર હતા ત્યારે પિન્ટુભાઈ ગાળો બોલી રહ્યા હતા.ગાળો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી
કરી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કમલાબાગ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya