


વડોદરા , 03 ઓગસ્ટ (હિ.સ.)
વડોદરા: શહેરના કુબેર ભવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક આવેલા વિસ્તારમાં જોખમી રીતે નમી ગયેલા વૃક્ષોની સમયસર છાંટણી કરવામાં આવતા સંભવિત અકસ્માત ટળી ગયો છે. આ વિસ્તારમાં રોજ સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોમાં અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સતત વરસાદ અને પવનના કારણે કેટલાક વૃક્ષોની ડાળીઓ જોખમી રીતે નમી ગઈ હતી. વરસાદ કે તેજ પવન દરમિયાન આ ડાળીઓ અથવા વૃક્ષો તૂટી પડવાની શક્યતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હતું.
આ અંગેની જાણ દીપિકાબેન અને અંકિતાબેનને કરવામાં આવતાં તેમણે તાત્કાલિક સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને વૃક્ષોની ટ્રિમિંગ (છાંટણી) કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે સંભવિત જાનહાનિ અને અકસ્માતની શક્યતા ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓએ ઝડપી કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા જોખમી વૃક્ષો અને સૂકી ડાળીઓની સમયસર તપાસ તથા છાંટણી કરવામાં આવે તો અકસ્માતો ટાળી શકાય.
ચોમાસાની મોસમને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પણ મહાનગરપાલિકાને શહેરના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આવેલા જોખમી વૃક્ષોનું સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ