
સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાંથી એનડીપીએસ એક્ટ હેઠળ 5 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ કેસમાં રિમાન્ડ પર રહેલો 29 વર્ષીય આરોપી કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલ શૌચાલયની બારીનો કાચ તોડી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીએ પેટમાં દુખાવો, બીપીની તકલીફ અને કબ્જિયાત હોવાનું કહી દવાની માંગણી કરી હતી. ત્યારબાદ પોલીસ તેને તપાસ રૂમની બાજુમાં આવેલા શૌચાલયમાં લઈ ગઈ, જ્યાં તેણે અંદરથી દરવાજો બંધ કરીને નળ ચાલુ કર્યો અને બારીનો કાચ તોડી પાછળની દીવાલ પરથી કૂદીને ભાગી છૂટ્યો.
કાચ તૂટવાનો અવાજ સાંભળતા જ બહાર ઉભેલા પોલીસકર્મીઓ સતર્ક બન્યા હતા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આરોપી પાછળના ભાગેથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને શહેરના વિવિધ એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને કામગીરી સોંપવામાં આવી હતી.
ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઉત્રાણ પોલીસને સફળતા મળી હતી અને પોલીસ સ્ટેશનથી અંદાજે 19 કિલોમીટર દૂર કડોદરા ચાર રસ્તા નજીકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 અને 324(3) ઉપરાંત જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કાયદા હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ફરી કસ્ટડીમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે