'અંગદાન મહાદાન' અભિયાન અંતર્ગત ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે સફાઈ કર્મીઓ, નર્સિંગ અને સુરક્ષા સ્ટાફને 'અંગદાન મહાદાન' અંકિત છત્રીઓનું કરાયું વિતરણ
સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) : અંગદાન જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્યથી અને ''અંગદાન દિવસ'' નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે ''અંગદાન મહાદાન'' અભિયાનના પ્રણેતા દિલિપભાઈ દેશમુખના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય સંગીતાબેન પાટીલની
Surat


સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) : અંગદાન જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્યથી અને 'અંગદાન દિવસ' નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે 'અંગદાન મહાદાન' અભિયાનના પ્રણેતા દિલિપભાઈ દેશમુખના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં સફાઈકર્મીઓ, નર્સિંગ અને સુરક્ષા સ્ટાફને 'અંગદાન મહાદાન' અંકિત છત્રીઓનું વિતરણ કરાયું હતું. અંગદાન સેવાકાર્યમાં ઉમદા યોગદાન આપનાર તબીબી સ્ટાફગણનું સન્માન કરાયું હતું. નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા અંગદાનનો સંદેશ આપતા પોસ્ટરોનું પ્રદર્શન પણ યોજાયું હતું.

સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા વિશેષ પોસ્ટર્સ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા રંગોળીના પ્રદર્શનને ધારાસભ્ય મતી સંગીતાબેન પાટીલે ખુલ્લું મૂકી વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ધારાસભ્ય સંગીતાબેને જણાવ્યું કે, અંગદાન એ માનવતાનું એવું મહાદાન છે, જે એક વ્યક્તિની વિદાય બાદ પણ અનેક લોકોને નવજીવન આપી જાય છે. ગુજરાત અંગદાનના ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે. અંગદાન થકી જીવનદાન આપવામાં સુરત સિવિલ હોસ્પિટલ હંમેશા અગ્રેસર રહી છે. નવી સિવિલના અંગદાન જનજાગૃતિના કાર્યોથી સમાજમાં અંગદાન વિશે સકારાત્મક પ્રચાર થશે.

આધુનિક તબીબી સુવિધાઓ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે થયેલી પ્રગતિના પરિણામે આજે અનેક દર્દીઓને નવજીવન મળવાની નવી આશા જાગી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને અંગદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી વધુમાં વધુ જનજાગૃતિ ફેલાવીએ અને એવો સમાજ રચીએ કે જ્યાં અંગની રાહ જોઈ રહેલો કોઈ દર્દી જીવનદાયી અવસરથી વંચિત ન રહે એમ તેમણે ઉમેર્યું હતું.

તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામાએ સિવિલ હોસ્પિટલમાં થયેલા અંગદાનની વિગતો આપતા કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 104 દર્દીઓની નોંધણીમાંથી 96 સફળ અંગદાતા દર્દીઓ દ્વારા કુલ 316 અંગોનું દાન મેળવવામાં આવ્યું છે. જેમાં 34 આંખો, 75 લીવર, 166 કિડની, 9 હાથ 2

પેનક્રિયાસ (સ્વાદુપિંડ), ૬ નાના આંતરડા, 11 હૃદય, 12 ફેફસા અને RAFF (Radial Forearm Flap) નો સમાવેશ થાય છે. આ સફળ અંગદાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન સાંપડ્યું છે. નવી સિવિલ થકી બ્રેઈનડેડના કિસ્સાઓમાં હજુ વધુમાં વધુ અંગદાન થાય તેવા અમારા પ્રયાસો છે.

TNAI (ટ્રેઇન્ડ નર્સીસ એસો. ઓફ ઇન્ડિયા) ના સેક્રેટરી ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, બ્રેઇન ડેડના કિસ્સામાં દર્દીના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એક અંગદાનથી અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં રોશની લાવી શકાય છે. અંગદાન જનજાગૃતિ અભિયાનને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા થાય તે જ સાચી માનવ સેવા છે.

સમાજમાં અંગદાન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાય તે હેતુથી ઉપસ્થિત તમામ સફાઈ કર્મીઓ અને તબીબી, નર્સિંગ સ્ટાફે અંગદાન માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલ, નગરસેવક વ્રજેશ ઉનડકટ, તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામા, ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, ડો.લક્ષ્મણ ટહેલાની, ડો.ભરત ચાવડા, TNAI ના સેક્રેટરી ઇકબાલ કડીવાલા, સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઇન્દ્રાવતી રાવ, આસિ. નર્સિંગ સુપ્રિ. સરસ્વતીબેન મૈસૂરિયા, પ્રજ્ઞાબેન પટેલ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક મકરંદ જોશી, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા અને જગદીશ બુહા, સંજય પરમાર, બિપિનભાઈ અને વિભોર ચુગ, વિવિધ વિભાગના વડાઓ, હેડ નર્સ તેમજ બહોળી સંખ્યામાં તબીબો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande