
સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) : નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઉમરા સુરત સીટી ના દેવકી નંદન હિન્દી વિધાલય પાંડેસરા વિસ્તાર ખાતે શાળાના આચાર્ય સુરેશભાઈના વડપણ હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. દીકરીઓને સમાન અધિકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી સમાજના વિકાસમાં સમાન ભાગીદાર બને તે માટે સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ, કાઉન્સેલિંગ, પોલીસ, કાનૂની તથા અન્ય જરૂરી સહાય સેવાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી.
વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા અંગે જાગૃત રહેવા, પોતાના અધિકારો વિશે માહિતગાર બનવા તેમજ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓનો નિઃસંકોચ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો તથા મહિલા સશક્તિકરણ માટે સજાગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવાની સાથે વિદ્યાર્થીઓમાં દીકરીઓના શિક્ષણ, મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે અસરકારક જાગૃતિ ફેલાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે