ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા ‘જનજાતિય અસ્મિતા, સંવૈધાનિક અધિકાર અને વર્તમાન વિમર્શ’ વિષયક વિચાર ગોષ્ઠિ યોજાઈ
ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા ‘જનજાતિય અસ્મિતા, સંવૈધાનિક અધિકાર અને વર્તમાન વિમર્શ’ વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ન્યાયાધીશ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના મુખ્ય સલાહકાર પ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા ‘જનજાતિય અસ્મિતા, સંવૈધાનિક અધિકાર અને વર્તમાન વિમર્શ’ વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ન્યાયાધીશ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના મુખ્ય સલાહકાર પ્રકાશ ઉઇકે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શહેરના 50થી વધુ પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક કાર્યકરો અને વિચારપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રકાશ ઉઇકે એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભારતની જનજાતિ પરંપરા દેશની પ્રાચીન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનો અભિન્ન હિસ્સો છે. ઐતિહાસિક અને ધાર્મિક ગ્રંથોમાં ‘વનવાસી’ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે અને ભગવાન શ્રીરામના જીવનપ્રસંગો સહિત ભારતની અનેક પરંપરાઓ વન સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.

તેમણે જણાવ્યું કે, અંગ્રેજ શાસન દરમિયાન વિવિધ ઐતિહાસિક સિદ્ધાંતો અને વહીવટી વ્યવસ્થાઓના કારણે સમાજમાં અલગાવનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થયો હતો, જ્યારે સ્વતંત્ર ભારતના બંધારણે ‘અનુસૂચિત જનજાતિ’ તરીકે બંધારણીય ઓળખ આપી છે.

તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતના ઇતિહાસ અને સમાજ વિશે વિવિધ પ્રચલિત માન્યતાઓનું તેમણે તથ્યાધારિત વિશ્લેષણ કર્યું હતું. વર્ષ 2007માં ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ આપેલા પોતાના અભિપ્રાયનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે, ભારતના તમામ લોકો મૂળ નિવાસી છે અને આ સંદર્ભે ભારતની અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે.

વક્તવ્ય દરમિયાન જનજાતિ સમાજના જલ, જંગલ અને જમીન સાથેના પરંપરાગત સંબંધ, ઔષધીય વનસ્પતિ અંગેના સમૃદ્ધ જ્ઞાન, શ્રુતિ પરંપરા દ્વારા પેઢી દર પેઢી જ્ઞાનના સંવર્ધન તેમજ સ્વશાસનની પરંપરા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જનજાતિ સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ઓળખનું સંરક્ષણ થાય તે દિશામાં નીતિઓ અને યોજનાઓ ઘડવી જરૂરી છે.

વક્તા ઉઇકે એ અનુસૂચિત જનજાતિ સંબંધિત બંધારણીય જોગવાઈઓ, પાંચમી અનુસૂચિ, વિવિધ ન્યાયિક ચુકાદાઓ તથા જાતિ પ્રમાણપત્રની ચકાસણી સંબંધિત કાનૂની વ્યવસ્થાઓ અંગે પણ માહિતગાર કર્યા. તેમણે સમાજમાં ચાલી રહેલા વિવિધ વિમર્શો અંગે, તથ્યપૂર્ણ અભિગમ અપનાવી સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિતોએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. ઉઇકે જીએ, ગુંડાધર ગોંડ સહિતના જનજાતિ ક્રાંતિકારીઓ અને તેમના ઐતિહાસિક યોગદાન અંગે પણ માહિતી આપી હતી.

કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મુખ્ય વક્તા સહિત તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ વક્તા દ્વારા લિખિત પુસ્તિકાનું સૌને વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande