સુરત નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઈન સ્ટેમ ડેથ સર્ટિફાયિંગ એવોર્ડ એનાયત
સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના ''નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન'' (NOTTO) દ્વારા નવી દિલ્હી ખાતે ૧૬મા ''ભારતીય અંગદાન દિવસ''ની ભવ્ય ઉજવણી નવી દિલ્હીના ડો.આંબેડકર ઈન્ટરનેશનલ સેન્
Surat


સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના 'નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન' (NOTTO) દ્વારા નવી દિલ્હી ખાતે ૧૬મા 'ભારતીય અંગદાન દિવસ'ની ભવ્ય ઉજવણી નવી દિલ્હીના ડો.આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી મતી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં દેશભરમાં અંગદાનક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો અને સંસ્થાઓનું સન્માન કરાયું હતું. મંત્રીએ દેશભરમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને દેશના ખૂણે-ખૂણે અંગદાન સંદેશો પહોંચાડવા માટે જુગ જુગ જીયો અભિયાનની શરૂઆત કરાવી હતી.

કેન્દ્રીય આરોગ્ય રાજયમંત્રીના હસ્તે સુરત નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઈન સ્ટેમ ડેથ સર્ટિફાયિંગ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડને આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજા પટેલ, અંગદાનના કાઉન્સેલર નિર્મલા કાથુડને સ્વીકાર્યો હતો.

નોંધનીય છે કે, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દિલિપદાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ નવી સિવિલમાં છેલ્લા વર્ષોમાં ૯૬ અંગદાન થયા છે. જેમાં ૩૪ આંખ, 75 લિવર,166 કિડની, નવ હાથ, બે પેનક્રિયાસ, છ નાના આંતરડા, 11 હદય, 12 ફેફસા મળી કુલ 316 અંગોનું દાન થયું છે. જેનાથી અનેક જરૂરીયામંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ડો.નિમેષ વર્મા, ન્યુરોસર્જન ડો.મેહુલ મોદી, ન્યુરો ફિજીશ્યન ડો.હરેશ પારેખ તથા TNAI ના સેક્રેટરી ઈકબાલ કડીવાલાની મહત્વની ભુમિકા રહી છે.

મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં 2013 માં માત્ર 4990 અંગ પ્રત્યારોપણ થયા હતા, જે વધીને વર્ષ 2025 માં 20138 ના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. આ સાથે ભારત સમગ્ર વિશ્વમાં કુલ અંગ પ્રત્યારોપણના મામલે અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. સાથોસાથ, જીવંત દાતા અંગ પ્રત્યારોપણમાં ભારતે વિશ્વમાં પોતાનું અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. ઉપરાંત, મરણોત્તર અંગદાન (Deceased Donor Transplants) ૨૦૧૩માં 837 હતા, જે 2025 માં ચાર ગણાથી વધુ વધીને 3526 સુધી પહોંચ્યા છે.

આ અવસરે 'e-પ્રત્યારોપણ' પ્લેટફોર્મને ખુલ્લુ મુકાયું હતું. જે હોસ્પિટલો, ડોકટરો, દાતાઓ અને પ્રાપ્તાકર્તાઓને એકીકૃત કરતું સુરક્ષિત અને પારદર્શક ડિજિટલ પ્લેટફોર્મ, જે વેઈટિંગ લિસ્ટ અને ઓર્ગન એલોકેશન સુગમ બનાવશે. આ ઉપરાંત NOTTO મોબાઇલ એપ પણ લોન્ચ કરાઈ હતી. જે નાગરિકો અને તબીબી નિષ્ણાતો માટે અંગદાન સંબંધિત સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવશે. અંગદાન પ્રક્રિયાઓમાં એકરૂપતા અને નૈતિકતા જાળવવા 'નેશનલ બ્રેઇન સ્ટેમ ડેથ સર્ટિફિકેશન અને 'સ્વેપ ટ્રાન્સપ્લાન્ટેશન ગાઇડલાઇન્સ' જારી કરવામાં આવી હતી.

આ તકે અંગદાતાઓના પરિવારજનોની અમૂલ્ય માનવતાવાદી સેવા બદલ વિશેષ શ્રદ્ધાંજલિ અને બહુમાન કરાયું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ મતી પુણ્યસલિલા વાસ્તવ, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ ડૉ.લવનીશ જી. કૃષ્ણા, NOTTOના ડિરેક્ટર ડૉ.અનિલ કુમાર સહિત દેશભરના રાજ્યોના પ્રતિનિધિઓ અને તબીબી નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande