
ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લા પોલીસને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં વધુ એક મહત્વની સફળતા મળી છે. ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર રહેલા આરોપીને રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં આરોપી બશીરખાન ઉર્ફે મુન્નાખાન અલીખાન પઠાણ છેલ્લા 18 વર્ષથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. દરમિયાન પેરોલ-ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે આરોપી હાલ રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર શહેરમાં મેઇન બજાર વિસ્તારમાં મસ્જિદની બાજુ આવેલા પોતાના રહેણાંક મકાનમાં રહે છે.
બાતમીના આધારે પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. પૂરતી ખાતરી થયા બાદ પોલીસે સાંચોર ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ બશીરખાન ઉર્ફે મુન્નાખાન અલીખાન પઠાણ (ઉંમર 63 વર્ષ), વ્યવસાયે મજૂર તરીકે થઈ હતી.
આરોપી સામે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર 24/2009 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420, 465 અને 471 મુજબ ગુનો નોંધાયેલ છે. આરોપીને ઝડપી પાડ્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને વલ્લભીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડની આ કામગીરીને લાંબા સમયથી ફરાર આરોપીઓને કાયદાના દાયરામાં લાવવાના પ્રયાસોમાં મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આવા ફરાર આરોપીઓ સામે શોધખોળ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA