ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
ભાવનગર 3 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મંડળ પ્રશાસન દ્વારા સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોમાં લોકો પાયલોટોને નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરતાં અત્યંત સતર્કતા સાથે ટ્રેન
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો


ભાવનગર 3 ઓગસ્ટ (હિ.સ.)

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મંડળ પ્રશાસન દ્વારા સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોમાં લોકો પાયલોટોને નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરતાં અત્યંત સતર્કતા સાથે ટ્રેનોનું સંચાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. રેલવે અને વન વિભાગ વચ્ચેના ઉત્તમ સમન્વય તેમજ લોકો પાયલોટોની સજાગતાના પરિણામે અનેક વન્યજીવોને સંભવિત દુર્ઘટનાઓમાંથી સુરક્ષિત બચાવી શકાયા છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 129 તથા વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધી કુલ 33 એશિયાટિક સિંહોને સંભવિત રેલ દુર્ઘટનાઓમાંથી સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.

આ જ ક્રમમાં, તા. 02 ઓગસ્ટ, 2026ના રોજ લોકો પાયલોટ મહેન્દ્ર લકુમ (મુખ્યાલય – સુરેન્દ્રનગર ગેટ) તથા વરિષ્ઠ સહાયક લોકો પાયલોટ વિકાસ બૈરવા (મુખ્યાલય – સુરેન્દ્રનગર ગેટ) એક માલગાડીનું સંચાલન કરી રહ્યા હતા. દામનગર–લીલિયા મોટા રેલખંડ પર કિલોમીટર નં. 25/6–25/7 નજીક રેલવે ટ્રેક પર એક એશિયાટિક સિંહ ઊભો જોવા મળ્યો. પરિસ્થિતિની ગંભીરતાને સમજી બંને લોકો પાયલોટોએ તાત્કાલિક સૂઝબૂઝ અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી, જેના કારણે સિંહ સંભવિત દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયો.

ત્યારબાદ લોકો પાયલોટે તરત જ ટ્રેન મેનેજર (ગાર્ડ)ને ઘટનાની જાણ કરી. માહિતી મળતા જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યો. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ ટ્રેનને ફરી પ્રસ્થાન કરવાની મંજૂરી આપવામાં આવી અને માલગાડીને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.

ઘટનાની જાણ થતા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓએ લોકો પાયલોટોની સતર્કતા, ત્વરિત નિર્ણય ક્ષમતા, સંવેદનશીલતા તથા કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા.

ભાવનગર મંડળ ભવિષ્યમાં પણ વન્યજીવ સંરક્ષણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતા જાળવી રાખીને રેલવે તથા વન વિભાગના સંકલિત પ્રયાસો દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્ય કરતું રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande