

પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને ગતિ આપવા વિવિધ માળખાકીય વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ વિકાસકામોની ગુણવત્તા, પ્રગતિ અને સમયમર્યાદામાં પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીએ શહેરના વિવિધ સ્થળોએ ચાલી રહેલા વિકાસકામોની સ્થળ મુલાકાત લઈને વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ સ્થળ મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી, સીટી એન્જિનિયર જયદીપસિંહ રાણા, એન્જિનિયર સરમણ
મોઢવાડિયા, સંબંધિત શાખાના અધિકારીઓ તેમજ કામગીરી કરી રહેલી એજન્સીઓના પ્રતિનિધિઓ અને કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરએ શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટો પૈકી હેરીટેજ સ્ટેટ લાયબ્રેરી, મોઢા કોલેજ નજીક નિર્માણાધીન નવી આધુનિક લાયબ્રેરી, કમલાબાગ પાસે એમ.ઈ.એમ. સ્કૂલ, વીરભાનુની ખાંભી નજીક તેમજ છાયા ચાડેશ્વર મહાદેવ મંદિર પાસે નિર્માણાધીન આધુનિક સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત પંપિંગ સ્ટેશનની કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટના ડ્રોઇંગ, ટેન્ડરની જોગવાઈઓ તથા તકનીકી ધોરણો મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા, કામગીરીની ગતિ, સલામતીના માપદંડો, સાઇટ મેનેજમેન્ટ તેમજ પ્રોજેક્ટની સમયમર્યાદા અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીએ વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવા અધિકારીઓ અને એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. દરેક કામગીરી પારદર્શિતા, તકનીકી ધોરણો અને નક્કી કરેલી સમયમર્યાદા મુજબ પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવા, વિકાસકામો દરમિયાન આસપાસના નાગરિકોને ઓછામાં ઓછી અગવડતા થાય તે માટે યોગ્ય વ્યવસ્થા, સલામતીના સાધનો અને જરૂરી સૂચના બોર્ડની પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
તેમણે અધિકારીઓને પ્રોજેક્ટનું નિયમિત મોનીટરિંગ કરવા, સમયાંતરે સ્થળ નિરીક્ષણ હાથ ધરવા તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં તાત્કાલિક નિર્ણય લઈ કામગીરીને વધુ ઝડપી બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે જરૂરી તકનીકી બાબતોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે આધુનિક સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, જ્ઞાન અને શિક્ષણને પ્રોત્સાહન આપતી આધુનિક લાયબ્રેરી જેવી જાહેર સુવિધાઓના વિકાસ સહિત વિવિધ પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મહાનગરપાલિકા શહેરના આધુનિક, સુવ્યવસ્થિત અને સર્વસમાવેશક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. મહાનગરપાલિકા દ્વારા આવા વિકાસકામોની નિયમિત સ્થળ સમીક્ષા થકી ગુણવત્તાયુક્ત કામગીરી, સમયસર પૂર્ણતા અને નાગરિકોને શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya