
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા શહેરમાં તૈયાર પડેલા 154 ફ્લેટ માટે ફરી એકવાર અરજીઓ મંગાવવામાં આવી છે.મનપા હસ્તકની વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી પડી રહેલા રેડી પઝેશન 154 ફ્લેટ માટે 01 ઓગસ્ટ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી જોગર્સ પાર્ક સામે આવેલી બેંક ખાતેથી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.આ મકાનોમાં મયુરનગર મેઇન રોડ પર EWS ના 47 ફ્લેટ (કિંમત રૂ.3 લાખ), એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ LIG-1 ના 40 ફ્લેટ (કિંમત રૂ. 7.50 લાખ) તેમજ હાપા ખાતે રવિ પેટ્રોલ પંપ પાછળ EWS ના 67 ફ્લેટ (કિંમત રૂ. 3.00 લાખ) સમાવિષ્ટ છે.વારંવાર જાહેરાતો કરવા છતાં લોકોને આ આવાસો તરફ આકર્ષવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સ્થાનિકો અને અરજદારોમાં મકાનોના લોકેશન, ગુણવત્તા કે મેઇન્ટેનન્સ ડિપોઝિટ જેવા મુદ્દાઓને લઈને ઉદાસીનતા જોવા મળી રહી છે.આ સિવાય ડ્રો બાદ મકાન જતું કરવા પર ડિપોઝિટ જપ્ત કરવાની કડક શરતોના કારણે પણ લોકો ફોર્મ ભરતા અચકાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ત્રણ-ત્રણ વખત પ્રયાસો કરવા છતાં કરોડોના ખર્ચે બનેલા આ ફ્લેટ ખાલી પડી રહ્યા છે, જે મનપા તંત્રની યોજનાના અમલીકરણ અને આયોજન સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.લોકો ફોર્મ ભરે તો ફલેટ આપી દે તેવી હાલતજામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ચાર આવાસમાં ખાલી પડેલા 154 ફલેટ માટે તંત્ર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે તેમ છતાં અરજદારો દ્વારા ફોર્મ ભરવામાં આવતા નથી. વર્ષોથી ખાલી પડેલા ફલેટોની હાલત ભંગાર જેવી થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt