
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આયોજિત વિવિધ રમતગમત ક્ષેત્રોની તમામ વયજૂથની સ્પર્ધાઓમાં જામનગર જિલ્લાની શાળા તથા સંસ્થાઓના જે ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન મેળવ્યું હોય અથવા સ્પર્ધામાં ભાગ લીધો હોય તેમજ રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય, તેવા ખેલાડીઓની વિગતો જિલ્લા રમતગમત કચેરી દ્વારા મંગાવવામાં આવી છે.પાત્ર ખેલાડીઓએ લેખિત અરજી સાથે આધાર કાર્ડની નકલ, સંબંધિત પ્રમાણપત્રો (સર્ટિફિકેટ) તથા જરૂરી આધાર પુરાવા જોડીને તા. ૦૫/૦૮/૨૦૨૬, બુધવાર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી, જામનગર શહેરની કચેરી, ક્રિકેટ બંગલો, સ્વિમિંગ પૂલ બિલ્ડિંગ, જામનગર ખાતે નિયત સમયમર્યાદામાં રૂબરૂમાં મોકલવાની રહેશે. તેમ જિલ્લા રમતગમત અધિકારી બી.જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં અનેક યુવાઓ પોતાના કૌશલ્યથી રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં ગ્લાસવા ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સુંદર પ્રદર્શન કર્યું હતું અને 13 ગોલ્ડ મેળવ્યા હતા. ત્યારે આગામી 2030માં અમદાવાદ ખાતે આ કોમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહ્યો છે ત્યારે યુવા ખેલાડીઓ વધુને વધુ આગળ આવે અને રમતગમત ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય બતાવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt