
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નાઘેડી સ્થિત મંદિરે નશામુક્ત યુવા માટે વિકસિત ભારત વિષય પર યુવાસભાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ કોઠારી ધર્મનિધિ સ્વામીજીના હસ્તે થયો હતો.
આ અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થઈ હતી. તેમનું મુખ્ય સંબોધન જામનગર સહિત સમગ્ર દેશમાં લાઈવ પ્રસારિત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ યુવાનો સહિત દેશભરના લોકોને આગામી ૧૦૦ અઠવાડિયા દરમિયાન દર રવિવારે આ નશામુક્તિ અભિયાનમાં સહભાગી થવા, નશાના દૂષણ સામે લડવા અને જાગૃત કરવા અપીલ કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને શપથ પણ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, માય ભારત અભિયાનના સભ્યો, વિવિધ સંસ્થાના યુવાનો, મંદિરના સંતો, ટ્રસ્ટીઓ, હરિભક્તો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આશરે ૨૫૦ જેટલા યુવાનોને નશામુક્ત જીવનશૈલી અપનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ સમાજમાં નશામુક્તિ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને યુવા પેઢીને સકારાત્મક દિશામાં આગળ વધારવા માટે આવા જનજાગૃતિ કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt