
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા સાયબર ગુનાઓ, નાણાકીય રિકવરી અને આરોપીઓ સામે કરાયેલી કડક કાર્યવાહીના વાર્ષિક આંકડાઓ મળ્યા છે. તેમાં પોલીસની સતત વધેલી તકેદારી અને ત્વરિત કાર્યવાહીના કારણે જામનગર જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર છેતરપિંડીના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ ઠગાઈનો ભોગ બનનારોને નાણાં પરત અપાવવાની રિકવરી પ્રક્રિયા અને સમયસર ખાતા ફ્રીઝ કરવાની ક્ષમતા વધુ મજબૂત બની છે.
આંકડાકીય વિશ્લેષણ મુજબ, વર્ષ 2024 માં સાયબર ફ્રોડની રકમ ખૂબ જ ઊંચી એટલે કે રુ.29.99 કરોડ નોંધાઈ હતી. તેની સામે પોલીસે રૂ.5.64 કરોડ (18.8%) રકમ તાત્કાલિક ફ્રીઝ કરી હતી અને માત્ર રૂ.2.57 કરોડ (8.6%) રકમ જ પીડિતો સુધી રીફંડ તરીકે પહોંચાડી શકાઈ હતી.
જોકે, વર્ષ 2025 માં સાયબર પોલીસની સઘન કામગીરીને કારણે આંકડામાં મોટો સુધારો જોવા મળ્યો હતો. 2025 માં સાયબર ફ્રોડની રકમમાં ઘટાડો નોંધાઈને ઘટીને રૂ.5.74 કરોડ થઈ ગઈ હતી. આ સાથે રીફંડ દરમાં નોંધપાત્ર સુધારો થયો હતો, જ્યાં ફ્રોડની રકમના 33.9 % એટલે કે રૂ.1.95 કરોડ નાણાં સફળતાપૂર્વક અરજદારોને પરત કરવામાં આવ્યા હતા.
જ્યારે ફ્રીઝ કરાયેલી રકમ રૂ.99.37 લાખ (17.3%) રહી હતી. ચાલુ વર્ષ 2026 માં અત્યાર સુધી (સાત માસ)માં રૂ.3.53 કરોડનું ફ્રોડ નોંધાયું છે, જેમાંથી 22.3% (રૂ.78.54 લાખ) રકમ પોલીસે તાત્કાલિક ફ્રીઝ કરી છે અને 23.9% (રૂ.84.40 લાખ) રકમ રીફંડ થઈ ચૂકી છે.
પોલીસની કામગીરીના વાર્ષિક રિપોર્ટ અનુસાર, 3 સપ્ટેમ્બર 2024 થી લઈને વર્ષ 2026 સુધીના સમયગાળામાં કૂલ 27 FIR નોંધાઈ છે, જેમાંથી 24 કિસ્સામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. આ 3 વર્ષના ગાળામાં સાયબર પોલીસે કૂલ 86 આરોપીઓની અટકાયત અને ધરપકડ કરીને જેલહવાલે કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 (3 FIR) અને 2025 (15 FIR) માં જામનગર સાયબર પોલીસે 100% ડિટેક્શન રેટ મેળવીને તમામ કેસો ઉકેલ્યા હતા. જ્યારે વર્ષ 2026 માં અત્યાર સુધી નોંધાયેલી 9 FIR માંથી 6 કેસમાં ચાર્જશીટ થઈ ચૂકી છે અને 31 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે માત્ર 3 કેસમાં હાલ તપાસ પેન્ડિંગ છે. જે તપાસ ચાલી રહી છે.
સાઈબર જાગૃતિ અભિયાન અંતર્ગત 3 વર્ષમાં 164 સેમિનાર યોજાયા
જામનગરમાં ડિજિટલ સુરક્ષા માટે વ્યાપક ઝુંબેશ ચલાવાઈ રહી છે. મેડિકલ કોલેજ, શાળા-કોલેજો, કંપનીઓ અને બ્રાસ ઉદ્યોગો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 1 લાખથી વધુ નાગરિકોને UPI અને ATM ફ્રોડ અંગે સજાગ કરાયા છે.
સાયબર પોલીસે 3 વર્ષમાં સફળ સેમિનાર યોજવામાં આવ્યા છે. જેમાં 2024 માં 13 તેમજ 2025માં 78 અને 2026માં 73 સેમિનાર કરાયા. તેમજ જાહેર સ્થળોએ 130 હોર્ડિંગ્સ અને 50 હજારથી વધુ પત્રિકાઓનું વિતરણ કરી જાગૃતિ ફેલાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt