
- નવા વીજ કનેક્શન અને પાવર વધારાના ટેસ્ટ રિપોર્ટ ચાર્જ રદ કરો.
ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ) : ગુજરાતના ખેડૂતો પર ખેતીવાડી માટે નવા વીજ કનેક્શન મેળવતી વખતે અથવા પાવર વધારો કરતી વખતે લેવાતા ટેસ્ટ રિપોર્ટના ચાર્જિસ સંપૂર્ણપણે રદ કરવાની અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માંગણી સાથે ભારતીય કિસાન સંઘ હવે મેદાનમાં આવ્યું છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા વધારાના આર્થિક બોજને હળવો કરવા માટે રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને ખેતીવાડી માટે નવા વીજ કનેક્શન મેળવતી વખતે અથવા પાવર વધારો કરતી વખતે લેવાતા ટેસ્ટ રિપોર્ટના ચાર્જિસ સંપૂર્ણપણે રદ કરવાની અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવાની સખત માંગણી કરવામાં આવી છે.
કિસાન સંઘે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ખેતી માટે નવું વીજ કનેક્શન લેતી વખતે વીજ કંપનીઓ દ્વારા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર પાસેથી મેળવેલો ટેસ્ટ રિપોર્ટ ફરજિયાતપણે માંગવામાં આવે છે. આ ટેસ્ટ રિપોર્ટ મેળવવા માટે ખેડૂતોને બહારના ખાનગી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરોને મોટી રકમ ચૂકવવી પડે છે. વિવિધ એન્જિનિયરો દ્વારા ખેડૂતો પાસેથી અલગ-અલગ અને મનફાવે તેમ ફી વસૂલવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
કિસાન સંઘનું કહેવું છે કે જ્યારે ખેડૂત પોતાના કનેક્શનમાં માત્ર પાવરનો નોમિનલ વધારો કરાવે છે.ત્યારે પણ સમગ્ર સેટઅપ યથાવત જ રહે છે. સેટઅપમાં કોઈ મોટો ફેરફાર થતો ન હોવા છતાં વારંવાર નવો ટેસ્ટ રિપોર્ટ માંગવામાં આવે છે. આથી આવી સ્થિતિમાં ખેડૂતોને કાયમી મુક્તિ આપવી જોઈએ.
જો ટેસ્ટ રિપોર્ટ સંપૂર્ણપણે નાબૂદ કરવો શક્ય ન હોય તો ખેડૂતોનું શોષણ અટકાવવા નિયત અને પારદર્શક દરો નક્કી કરી તેને જાહેર માધ્યમો દ્વારા એનાઉન્સ કરવા અપીલ કરાઈ છે.આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો પરનો આ આર્થિક બોજ દૂર થાય તે માટે સરકાર સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે.
સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય અને મહામંત્રી આર.કે.પટેલ દ્વારા પાઠવાયેલા આ પત્રની નકલ ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન અને સપ્લાય કોડ તથા સલાહકાર ફોરમ સમિતિને પણ મોકલવામાં આવી છે. કિસાન સંઘે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક અને સકારાત્મક નિર્ણય લેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ