
કચ્છ, 03 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ કચ્છમાં નશાના દૂષણ સામે ચાલી રહેલા NO DRUGS IN EAST-KUTCH CAMPAIGN અંતર્ગત અંજાર પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મેઘપર કુંભારડી ખાતે આવેલી રામેશ્વરનગર રેસીડન્સીમાં દરોડો પાડી પોલીસે આશરે રૂ. 3.98 લાખનો મુદ્દામાલ કબજે કરી એક યુવકની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ, હેરાફેરી અને ગેરકાયદેસર વેપારને નાબૂદ કરવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ અભિયાન દરમિયાન અંજાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મેઘપર કુંભારડી સ્થિત રામેશ્વરનગર રેસીડન્સીના એક મકાનમાં હાઇડ્રોપોનિક પદ્ધતિથી તૈયાર કરાયેલ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે અને તેનું વેચાણ થવાનું છે.
બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટીમે તાત્કાલિક દરોડો યોજ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી અંદાજે 111.1 ગ્રામ હાઇડ્રોપોનિક હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત રૂ. 3,88,850 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ચાર પ્લાસ્ટિકની કોથળીઓ, એક મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ. 3,98,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે મેઘપર કુંભારડીમાં રહેતા અને મૂળ ભચાઉ તાલુકાના આધોઈ ગામના રહેવાસી 21 વર્ષીય રોહિત હીરજીભાઈ તુરીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જામનગરના રહેવાસી 'લકડી' નામના વ્યક્તિની સંડોવણી પણ સામે આવતા તેને ફરાર આરોપી જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
અંજાર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ, 1985ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ. ઝાને સોંપવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશાના કારોબાર સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના નેટવર્ક સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar