

કચ્છ, 03 ઓગસ્ટ (હિ.સ.) નખત્રાણા તાલુકાની ફુલાય ગ્રામ પંચાયત હેઠળ આવતા 11 ગામોમાં સોલાર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં અસંતોષ સતત વધી રહ્યો છે. ફુલાય, છારી, મોતીચૂર, પૈયા, વેઢાર, અઝોરિયા વાંઢ સહિતના ગામોના રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે સોલાર પ્રોજેક્ટ માટે સરકારી જમીનોની ફાળવણી બાદ કંપની દ્વારા કરવામાં આવેલી કિલ્લેબંધીના કારણે ગામોના પરંપરાગત હક્કો, પશુપાલન અને રોજગારી પર ગંભીર અસર પડી રહી છે. સમગ્ર મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ પોતાના હક્કોની રક્ષા માટે એકજૂટ લડત લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિસ્તારની ગૌચર જમીન, ગામતળ, તળાવો અને કુદરતી પાણીના વહેણો આસપાસ કથિત રીતે અવરોધો ઊભા થતાં આશરે દસ હજાર જેટલા પશુઓ માટે ચરિયાણની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે જો હાલની સ્થિતિમાં ફેરફાર નહીં થાય તો પશુપાલન આધારિત જીવનનિર્વાહ મુશ્કેલ બનશે અને અનેક પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે.
સ્થાનિકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પ્રોજેક્ટ વિસ્તારમાં સ્થાનિક યુવાનોને રોજગારીમાં યોગ્ય તક આપવામાં આવી રહી નથી. તેમના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ સાથે જોડાયેલા મોટા ભાગના કામ બહારના કોન્ટ્રાક્ટરો અને વેન્ડરોને સોંપાતા હોવાથી સ્થાનિક કૌશલ્ય, મશીનરી અને માનવબળનો પૂરતો ઉપયોગ થતો નથી. પરિણામે પ્રોજેક્ટથી થનારા આર્થિક લાભનો મોટો હિસ્સો સ્થાનિકોને મળતો નથી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, કંપનીના કેટલાક જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થાનિકો સાથે દમનકારી વલણ અપનાવવામાં આવે છે અને પ્રોજેક્ટ વિસ્તારની આસપાસ પણ અવરજવર અંગે પ્રતિબંધ જેવા માહોલનો અનુભવ થઈ રહ્યો છે. આ સમગ્ર મુદ્દે યોજાયેલી બેઠકમાં સ્થાનિક આગેવાનો, સરપંચો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો અને વિવિધ રાજકીય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે સ્થાનિકોની સંમતિ વિના નવા કામોને મંજૂરી આપવામાં નહીં આવે અને રોજગારી તેમજ સ્થાનિક ભાગીદારીને પ્રાથમિકતા આપવાની માંગ પર અડગ રહેવાશે.
ગ્રામજનોએ તંત્ર અને કંપની સમક્ષ ગૌચર વિસ્તાર ખુલ્લો રાખવા, કુદરતી પાણીના વહેણો અને પરંપરાગત માર્ગો પરથી અવરોધ દૂર કરવા, સ્થાનિકોને રોજગારીમાં પ્રથમ તક આપવા અને પંચાયતની સહમતિ વિના કોઈપણ કામગીરી ન કરવા જેવી માંગણીઓ રજૂ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ માંગણીઓ પર યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો 11 ગામોના લોકો લોકશાહી અને ગાંધીચિંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન શરૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar