






કચ્છ, 03 ઓગસ્ટ (હિ.સ.) : આવનારા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વ્યાપક સતર્કતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જખૌ સેક્ટરના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી. સમગ્ર અભિયાન દરમિયાન છછી લાઇટ હાઉસથી લઈને સાંધાણ અને સુથરી સુધીના દરિયાઈ વિસ્તારમાં સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોએ દરિયાકિનારે અવરજવર કરતી બોટો, માછીમારોની હિલચાલ તેમજ અન્ય પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી હતી. સુરક્ષા દળોએ સ્થાનિક માછીમારો સાથે સીધી મુલાકાત કરીને તેમને સાવચેતી રાખવા અપીલ કરી હતી. ખાસ કરીને અજાણ્યા વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો અથવા કોઈપણ અસામાન્ય ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક પોલીસ અથવા મરીન ટાસ્ક ફોર્સને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
હાલમાં દરિયો તોફાની હોવાથી, માછીમારોને દરિયામાં જતી વખતે વધારાની સાવચેતી રાખવા તેમજ હવામાનની આગાહી મુજબ જ દરિયામાં ઉતરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરક્ષા સાથે માનવજીવનની સલામતી પણ એટલી જ મહત્વપૂર્ણ હોવાથી દરિયાઈ જોખમોને ધ્યાનમાં રાખી જરૂરી તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યભરમાં સ્વતંત્રતા પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ પ્રવેશી ન શકે તે માટે ગુજરાતના સમગ્ર દરિયાકાંઠે વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને ગુપ્ત બાતમીના આધારે દેખરેખ રાખી રહી છે. કચ્છ જેવા સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓની આ વધારાની સતર્કતા દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar