


કચ્છ, 03 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર સુધીની અવરજવરને વધુ સુરક્ષિત અને સુલભ બનાવવાના હેતુથી લખપત-કોટેશ્વર માર્ગ પર કનોજ મેજર બ્રિજનું નવનિર્માણ ઝડપભેર ચાલી રહ્યું છે. અંદાજે રૂ. 14 કરોડના ખર્ચે બની રહેલો આ મહત્વાકાંક્ષી પુલ આગામી સમયમાં યાત્રાળુઓ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.
જૂનો કનોજ બ્રિજ સમય જતાં જર્જરિત બની ગયો હતો. સલામતીને ધ્યાનમાં રાખીને ભારે વાહનો માટે તેની અવરજવર બંધ કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિકો અને યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય અને નાગરિકોની રજૂઆતો બાદ રાજ્ય સરકારે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપી હતી. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગે જરૂરી ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને નિર્માણ એજન્સીને કામગીરી સોંપી હતી.
હાલમાં પ્રોજેક્ટનું કામ વિવિધ તબક્કામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પાઈલિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે રિટેનિંગ વોલ, એબટમેન્ટ, ફાઉન્ડેશન, પાઈલ કેપ તેમજ સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ સહિતની કામગીરી નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ કરવામાં આવી રહી છે. સ્થળ પર આધુનિક મશીનરી અને અનુભવી ટેકનિકલ સ્ટાફની મદદથી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કોંક્રિટના યોગ્ય ક્યોરિંગ, સલામતીના તમામ નિયમોનું પાલન અને ગુણવત્તા નિયંત્રણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો અને તકનીકી અધિકારીઓ સતત સ્થળ મુલાકાત લઈને કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે જેથી નિર્માણની ગુણવત્તામાં કોઈ પ્રકારની ખામી ન રહે.
બ્રિજ તૈયાર થયા બાદ નારાયણ સરોવર જતાં હજારો યાત્રાળુઓને વર્ષભર સરળ અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ થશે. સાથે જ લખપત વિસ્તારના ગ્રામજનોની દૈનિક અવરજવર સરળ બનશે અને પ્રવાસન, વેપાર તથા સ્થાનિક આર્થિક વિકાસને પણ નોંધપાત્ર ગતિ મળશે. આ પ્રોજેક્ટ કચ્છના પશ્ચિમ વિસ્તારના આધુનિક માર્ગ માળખાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar