એક મહિનાથી પોલીસને ચકમો આપતો પોક્સો અને અપહરણ કેસનો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, સગીરાને સુરક્ષિત પરત લાવવામાં રાપર પોલીસને સફળતા
કચ્છ, 03 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લાના રાપર પોલીસને પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. છેલ્લા એક મહિનાથી પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલીને ફરતો મુખ્ય આરોપી આખરે અમદાવાદમાંથી ઝડપાઈ ગયો છે. આરોપીની ધરપકડ સાથે ભોગ બનનાર
રાપર પોક્સો કેસનો આરોપી


કચ્છ, 03 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લાના રાપર પોલીસને પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. છેલ્લા એક મહિનાથી પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલીને ફરતો મુખ્ય આરોપી આખરે અમદાવાદમાંથી ઝડપાઈ ગયો છે. આરોપીની ધરપકડ સાથે ભોગ બનનાર સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવતા પોલીસે ઝડપી અને અસરકારક કામગીરીનો વધુ એક દાખલો રજૂ કર્યો છે.

4 જુલાઈ,2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની સંબંધિત કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સપેક્ટર આર. એલ. ખટાણાએ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ ટીમ બનાવી હતી. આરોપી અને ભોગ બનનારની શોધખોળ માટે ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન મળેલા ચોક્કસ ઇનપુટના આધારે પોલીસને જાણ મળી હતી કે આરોપી અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં છુપાયો છે. ત્યારબાદ રાપર પોલીસની ટીમે આયોજનબદ્ધ રીતે ત્યાં પહોંચીને દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન દિનેશ ઉર્ફે જયેશ કરશનભાઈ કોલી, રહેવાસી ગણેશપર (પગીવાંઢ), તાલુકો રાપર, કચ્છને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સાથે રહેલી ભોગ બનનાર સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી.

આરોપીની ધરપકડ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર. એલ. ખટાણા તથા તેમની ટીમે સંકલન, સતર્કતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સગીરો સામેના ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ આરોપીને કાયદાની પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande