

કચ્છ, 03 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસની સાયબર સેલ (એલ.સી.બી.), ભુજ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. રોજિંદા જીવનમાં મોબાઈલ ફોન વ્યક્તિ માટે અગત્યનું સાધન બની ગયું છે. આવા સમયમાં ગુમ થયેલા મોબાઈલ પાછા મેળવવા માટે લોકો અનેક પ્રયાસો કરતા હોય છે, પરંતુ ઘણી વખત સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં પશ્ચિમ કચ્છ સાયબર સેલે ટેકનોલોજી અને સતત અનુસંધાનના આધારે કુલ 213 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે.
પરત અપાયેલા તમામ મોબાઈલ ફોનની અંદાજિત કુલ કિંમત રૂ. 41,14,600 જેટલી થાય છે. લાંબા સમયથી પોતાના મોબાઈલ ગુમાવનાર અરજદારોને જ્યારે તેમના જ ફોન પરત મળ્યા ત્યારે તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. પોલીસની આ કામગીરીને કારણે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે કે ગુમ થયેલા મોબાઈલ અંગે યોગ્ય રીતે ફરિયાદ કરવામાં આવે તો તેને શોધી કાઢવાની શક્યતા વધી શકે છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન આધુનિક ટેક્નોલોજી, ટેકનિકલ વિશ્લેષણ અને સતત ફોલોઅપના આધારે અલગ-અલગ સ્થળોએ રહેલા મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરીને તેઓને સુરક્ષિત રીતે કબજામાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ મોબાઈલ તેમના સાચા માલિકોને પરત આપવામાં આવ્યા.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સિંધવ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયા, લક્ષ્મીબેન ગઢવી, ભૂમિકાબેન મારવાડા તેમજ આઈટી એક્સપર્ટ જીતેશભાઈ સહારેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસની આ કામગીરી માત્ર ગુમ થયેલી મિલકત પરત આપવાની નથી, પરંતુ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવતી પહેલ તરીકે પણ જોવામાં આવી રહી છે. તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ થયેલી આ સફળ કામગીરી ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ અને પોલીસની જનસેવાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar