
- કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી પહેલા રાઉન્ડથી જ પાછળ.
વડોદરા, 03 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતમાં વડોદરામાં યોગેશ પટેલના અવસાનને કારણે ખાલી પડેલ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત મનાતા ભાજપે ઉજવણી શરૂ કરી દીધી છે. છઠ્ઠા રાઉન્ડના અંતે સતિષ પટેલ 11436 મતથી આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસના ભીખા રબારી પહેલા રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા છે, તેમણે છઠ્ઠા રાઉન્ડના અંતે 7717 મત મળ્યા છે.
માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. 37.05 ટકા જેવા નબળા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ઓછું મતદાન થયું હોવાથી કોંગ્રેસ પણ જીતવાની આશા રાખી રહ્યું છે. ભાજપ ફરી એકવાર બેઠક કરજે કરવા માટે તત્પર છે. બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ખાતે કડક સુરક્ષા વચ્ચે કાઉન્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 14+પોસ્ટલ બેલેટ ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગ્યે સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી, ત્યારબાદ ઈ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરવામાં આવી છે.
વીએમસીના મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી છે અને વર્ષોથી માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. એટલે જીત તો નિશ્ચિત જ છે અને જે રીતે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને લોકોનામાં જાગૃતિ લાવીને ઘર-ઘર સુધી પહોંચીને એ લોકોને મતદાન મથક સુધી પહોંચાડ્યા છે તેમાં ઘણી મહેનત કરી છે. અત્યારે લોકોમાં ઉત્સાહ પણ છે અને બસ ખાલી રેલી નીકળવાની રાહ જોઈ રહ્યા છીએ. લોકો ભારે સંખ્યામાં રેલી માટે ભેગા થઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ