
મહેસાણા, 03 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના જનકેન્દ્રી અભિગમ હેઠળ મહેસાણા જિલ્લામાં નાગરિકોની રજૂઆતોના અસરકારક નિરાકરણ માટે 25 ઓગસ્ટ, 2026ના રોજ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ અંગે અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જિલ્લાના નાગરિકોને સમયમર્યાદામાં પોતાની અરજીઓ રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.
કાર્યક્રમમાં પ્રશ્નો રજૂ કરવા ઇચ્છુક અરજદારો પોતાની અરજી 10 ઓગસ્ટ, 2026 સુધી કચેરીના કામકાજના સમય દરમિયાન કલેક્ટર કચેરી, રજિસ્ટ્રી શાખા, મહેસાણાને મળે તે રીતે મોકલી શકશે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓની નોકરી સંબંધિત પ્રશ્નો, કોર્ટમાં ચાલતા કેસો, ન્યાયિક અથવા અર્ધ-ન્યાયિક બાબતો તેમજ અગાઉ રજૂ કરાયેલી અરજીઓ ફરીથી સ્વીકારવામાં આવશે નહીં. એક અરજીમાં માત્ર એક જ પ્રશ્ન રજૂ કરી શકાશે. જો અરજદારને એકથી વધુ પ્રશ્નો હોય તો દરેક પ્રશ્ન અને સંબંધિત વિભાગ મુજબ અલગ-અલગ અરજી કરવી પડશે.
અરજીના મથાળે સ્પષ્ટપણે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેનો પ્રશ્ન એવો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને નિયત સમયમર્યાદામાં નિયમો મુજબ અરજી કરીને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR