
મહેસાણા, 03 ઓગસ્ટ (હિ.સ.) : માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા દ્વારા અમદાવાદ–મહેસાણા–પાલનપુર હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત ભાંડુ ગામ પાસે નિર્માણાધીન ફ્લાયઓવરની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. વિભાગના જણાવ્યા મુજબ બાંધકામ દરમિયાન ગુણવત્તાના તમામ ધોરણો અને તકનીકી માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે તેમજ અધિકારીઓ દ્વારા નિયમિત સ્થળ નિરીક્ષણ કરીને કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ફ્લાયઓવર પૂર્ણ થયા બાદ ભાંડુ વિસ્તાર સહિત અમદાવાદ–મહેસાણા–પાલનપુર માર્ગ પર દૈનિક અવરજવર કરતા હજારો વાહનચાલકોને સુરક્ષિત, ઝડપી અને અવરોધમુક્ત મુસાફરીનો લાભ મળશે. ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થવાની સાથે અકસ્માતોની સંભાવના પણ ઓછી બનશે અને વાહનચાલકોના સમય તેમજ ઇંધણની બચત થશે.
વિભાગના જણાવ્યા અનુસાર ફ્લાયઓવર કાર્યરત બન્યા બાદ ભાંડુ અને આસપાસના ગામોના રહેવાસીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગોને વધુ સારી માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે. કૃષિ ઉત્પાદનના પરિવહનને પણ સરળતા મળશે, જેના કારણે વિસ્તારના વેપાર-વાણિજ્ય અને આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે.
માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે સમગ્ર કામગીરી ગુણવત્તાસભર રીતે અને નિર્ધારિત ધોરણો અનુસાર પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR