
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી આશરે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે સિટી બી ડિવિઝન પોલીસે એક સગીર આરોપી સામે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ધારારનગર વિસ્તારમાં રહેતી સગીરા પર તે જ વિસ્તારમાં રહેતા એક સગીર શખ્સ દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ સગીરાએ પોતાની માતાને કરતાં માતાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે પોક્સો કાયદા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સગીરની શોધખોળ શરૂ કરી છે. સાથે જ પીડિતાનું નિવેદન સહિતની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટના કયા સંજોગોમાં બની અને તેમાં અન્ય કોઈ પાસા સંકળાયેલા છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની સિટી બી. ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt