ઘોઘાના સાણોદર ગામેથી 'નારી વંદન ઉત્સવ સપ્તાહ'નો પ્રારંભ, મહિલા સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહનો પ્રારંભ ઘોઘા તાલુકાના સાણોદર ગામેથી કરવામાં આવ્યો છે. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અ
કાર્યક્રમ નો પ્રારંભ કરાવતા અધિકારીઓ


ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહનો પ્રારંભ ઘોઘા તાલુકાના સાણોદર ગામેથી કરવામાં આવ્યો છે. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના અધિકારો, સુરક્ષા અને સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ હિતેશભાઈ ઘોરીયાએ નારી વંદન ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે મહિલાઓના સશક્તિકરણ, સ્વાવલંબન અને સરકારની વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

પીબીએસસીના કનીઝબેન કુરેશીએ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી, શી ટીમ દ્વારા આપવામાં આવતી સહાય, ઘરેલું હિંસા અધિનિયમ-2005 તેમજ મહિલાઓને મળતી મફત કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડીએચઈડબલ્યુના મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટિયાએ મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

સખી વન સ્ટોપ સેન્ટરના શુભાબેન મકવાણાએ મહિલાઓને ઉપલબ્ધ તાત્કાલિક સહાય, કાઉન્સેલિંગ અને અન્ય સેવાઓ અંગે સમજ આપી હતી. જ્યારે ડીએચઈડબલ્યુના જેન્ડર સ્પેશિયાલિસ્ટ તુષારભાઈએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW), પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC), સખી વન સ્ટોપ સેન્ટર (OSC), શી ટીમ તથા ગામની મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં કાનૂની જાગૃતિ અને આત્મવિશ્વાસ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande