સુરતમાં કિન્નરોના બે જૂથ વચ્ચે જૂની અદાવત લોહિયાળ બની, ઘરમાં ઘૂસી ચપ્પુ અને લાકડાથી હુમલો
સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથ વચ્ચે જૂના વિવાદને લઈને હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે. અમરોલીમાં રહેતા અને ટ્રેડ બેગિંગ કરીને જીવનનિર્વાહ કરતા 29 વર્ષીય સપનાકુંવર પર પાંચ જેટલા કિન્નરોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્ય
Knife


સુરત, 03 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથ વચ્ચે જૂના વિવાદને લઈને હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે. અમરોલીમાં રહેતા અને ટ્રેડ બેગિંગ કરીને જીવનનિર્વાહ કરતા 29 વર્ષીય સપનાકુંવર પર પાંચ જેટલા કિન્નરોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં સુરત રેલવે સ્ટેશન પર માતાજીની પૂજાને લઈને થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે અદાવત વધી હતી.

ફરિયાદ અનુસાર, સાંજે સપનાકુંવર પોતાના મિત્રના લસકાણા સ્થિત ઘરે અન્ય સાથીઓ સાથે જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં પહોંચી ગયા હતા. ઘરમાં પ્રવેશ્યા બાદ ગાળો આપી મારામારી શરૂ કરવામાં આવી હતી. લાકડાના ફટકાથી હુમલો કર્યા બાદ એક આરોપીએ રસોડામાં પડેલું શાક સમારવાનું ચપ્પુ ઉઠાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કરવા જતા સપનાકુંવરના હાથમાં ચપ્પુ વાગતાં તેઓ લોહીલુહાણ થયા હતા. દરમિયાન અન્ય આરોપીએ પણ વાળ પકડીને નીચે પછાડી દીધા હતા.

બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થવા લાગતા તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સપનાકુંવરને પ્રથમ દીનબંધુ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ નોંધાયેલી ફરિયાદના આધારે લસકાણા પોલીસે પાંચેય આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande