પીએમ-કુસુમ યોજનાથી નર્મદાના ડુંગરાળ પ્રદેશમાં ગ્રીન એનર્જી સાથે હરિત ક્રાંતિ
- વરસાદ આધારિત ખેતીથી બારેમાસ સિંચાઈ સુધીની સફર : આદિવાસી ખેડૂતોના જીવનમાં ટકાઉ વિકાસનો નવો અધ્યાય - રૂપિયા 618.41 કરોડના ખર્ચે 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપ ખેડૂતોને ફાળવવામાં આવ્યા રાજપીપળા,03 ઓગસ્ટ (હિ.સ.) : ભારતના વિકાસમાં કૃષિ ક્ષેત્રની ભૂમિ
PM-KUSUM scheme brings green revolution with green energy in the hilly region of Narmada


PM-KUSUM scheme brings green revolution with green energy in the hilly region of Narmada


- વરસાદ આધારિત ખેતીથી બારેમાસ સિંચાઈ સુધીની સફર : આદિવાસી ખેડૂતોના જીવનમાં ટકાઉ વિકાસનો નવો અધ્યાય

- રૂપિયા 618.41 કરોડના ખર્ચે 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપ ખેડૂતોને ફાળવવામાં આવ્યા

રાજપીપળા,03 ઓગસ્ટ (હિ.સ.) : ભારતના વિકાસમાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. પરંતુ દેશના અનેક ડુંગરાળ, જંગલ અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ ખેતી વરસાદની અનિશ્ચિતતા, વીજળીના મર્યાદિત પુરવઠા અને ડીઝલ આધારિત સિંચાઈ પર નિર્ભર રહી છે. પરિણામે ખેડૂતોની આવક મર્યાદિત રહેતી, ઉત્પાદન ક્ષમતા ઓછી રહેતી અને રોજગારી માટે મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવું પડતું હતું.

આવા પડકારો વચ્ચે વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના જે ઊર્જા સુરક્ષા, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ગ્રામ વિકાસને એકસાથે જોડતી રાષ્ટ્રીય પહેલ છે.

આ યોજનાનો સાચો પ્રભાવ જોવો હોય તો ગુજરાતના નર્મદા જિલ્લામાં નજર કરવી પૂરતી છે, જ્યાં પીએમ-કુસુમ યોજનાએ ખાસ કરીને શૂલપાણેશ્વર અભયારણ્ય અને ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં વસતા હજારો આદિવાસી પરિવારોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન સર્જ્યું છે.

નર્મદા જિલ્લાના કુલ 2.81 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર પૈકી 1,05,800 હેક્ટર વિસ્તાર તો ડુંગરાળ અને જંગલોથી ઘેરાયેલો છે. ખાસ કરીને દેડિયાપાડા-સાગબારા તાલુકામાં વર્ષો સુધી ખેડૂતો માત્ર ચોમાસુ સિઝનમાં વરસાદ પર નિર્ભર રહી ખેતી કરતા હતા. કૃષિ માટે વીજળીના નેટવર્કનો અભાવ અને ઇકો-સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે નવા વીજ પુરવઠા માળખાના વિકાસ પર પણ મર્યાદાઓ હતી. ઘણા ખેડૂતો ડીઝલ પંપનો ઉપયોગ કરતા, પરંતુ ડીઝલનો વધતો ખર્ચ, જાળવણી અને દૂરના વિસ્તારોમાંથી ઇંધણ લાવવાની મુશ્કેલીઓ ખેતીને ખર્ચાળ બનાવતી હતી.

આ પરિસ્થિતિમાં PM-KUSUM-B હેઠળ ઓફ-ગ્રીડ સ્ટેન્ડઅલોન સોલાર પંપ ખેડૂતો માટે જીવન બદલનારી સુવિધા બની. હવે ખેડૂતોને વીજળીની રાહ જોવી પડતી નથી કે ડીઝલ માટે શહેર સુધી જવું પડતું નથી. સૂર્યપ્રકાશના આધારે દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ શક્ય બની છે.

દેશભરમાં PM-KUSUM યોજના હેઠળ 14 લાખ ઓફ-ગ્રીડ સ્ટેન્ડઅલોન સોલાર કૃષિ પંપ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેની સામે અત્યાર સુધીમાં 13,07,190 પંપોને મંજૂરી આપવામાં આવી છે અને 11,49,988 પંપની સ્થાપના પૂર્ણ થઈ ચૂકી છે, એટલે કે યોજનાના લગભગ 88 ટકા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 22,792 સોલાર કૃષિ પંપની મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી 22,787 લાભાર્થીઓને સોલાર પંપનો લાભ મળી ચૂક્યો છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળીને રૂપિયા 600 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. PM-KUSUM યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી આગળ છે, જ્યાં 14,989 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેનાથી હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે.

શૂલપાણેશ્વર અભયારણ્ય આસપાસનો વિસ્તાર પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ છે. અહીં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર છે. PM-KUSUM યોજનાએ આ પડકારનો વ્યવહારુ ઉકેલ આપ્યો છે. ઓફ-ગ્રીડ સોલાર પંપના કારણે નવા વીજ થાંભલા, લાંબી વીજ લાઈનો અથવા સબ-સ્ટેશન ઉભા કરવાની જરૂર રહેતી નથી.

પરિણામે જંગલના કુદરતી પર્યાવરણને કોઈ નુકસાન પહોંચતું નથી અને ઇકો-સેન્સિટિવ વિસ્તારના નિયમોનું પણ પાલન થાય છે. સાથે સાથે ડીઝલ પંપનો ઉપયોગ ઘટતા વાયુ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોલાર પંપ સંપૂર્ણ શાંતિથી કાર્ય કરતા હોવાથી વન્યજીવોની કુદરતી ગતિવિધિઓ પણ અવિરત રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આદિવાસી અને જંગલ વિસ્તારના ખેડૂતો માટે વિશેષ સહાયની વ્યવસ્થા કરીને યોજનાને વધુ લોકકલ્યાણકારી બનાવી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 60 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 40 ટકા સહાય ઉપલબ્ધ હોવાથી આદિવાસી વિસ્તારોમાં લાભાર્થીઓને 100 ટકા સહાય મળતી હોવાથી સોલાર પંપ માટે કોઈ આર્થિક ભારણ રહેતું નથી. આ કારણે નાના અને સીમાંત ખેડૂતો પણ આધુનિક સિંચાઈ વ્યવસ્થા સાથે જોડાઈ શક્યા છે.

દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ સામોટ ગામના ખેડૂત રાકેશ વસાવાએ જણાવ્યું કે, પહેલાં માત્ર ચોમાસાનો એક જ પાક અમે લઈ શકતા હતા. છેલ્લા પાંચ વર્ષથી PM-KUSUM યોજનાનો લાભ મળતા હવે વર્ષમાં ત્રણ સિઝનની ખેતી કરીએ છીએ. જેમાં મકાઈ, ડાંગર, કઠોળ, શાકભાજી સહિતના પાકો કરીએ છીએ. જેનાથી અમારી આર્થિક જરૂરિયાત પણ પુરી કરીએ છીએ. માત્ર એટલું જ નહીં પરંતુ MNRE દ્વારા મને દિલ્હી ખાતે 26મી જાન્યુઆરી-2026ના રોજ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થવા માટે આમંત્રણ મળ્યું અને એક પ્રગતિશીલ ખેડૂત તરીકે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે સંવાદ કરવાનો મને અવસર મળ્યો હતો. જે આ PM-KUSUM યોજનાના કારણે જ શક્ય બન્યું હતું.

DGVCL-રાજપીપલાના કાર્યપાલક ઈજનેર બી.બી.પટેલે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં પીએમ કુસુમ યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપ ખેડૂતોને ફાળવવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 618.41 કરોડ થાય છે. આ યોજનાએ ખાસ કરીને દેડીયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકાના ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આણ્યું છે.

અગાઉ આ વિસ્તારના ઘણા પરિવારો રોજગારી માટે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવા મજબૂર બનતા હતા. પરંતુ સોલાર પંપ યોજના હેઠળ પોતાની ખેતી માટે વર્ષભર સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થતાં હવે ખેડૂતો ખરીફ, રવિ અને ઉનાળુ – ત્રણેય ઋતુમાં ખેતી કરી રહ્યા છે. પરિણામે તેમની કૃષિ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને સ્થળાંતરમાં પણ ઘટાડો થયો છે.

તેઓએ વધુમાં કહ્યું કે, એક સમય એવો હતો કે, અહીંના લોકો પોતાની જરૂરિયાતનું અનાજ બજારમાંથી ખરીદતા હતા. આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ખેડૂતો પોતાની જમીનમાં પૂરતું અનાજ અને અન્ય પાકોનું ઉત્પાદન કરીને ઘર વપરાશ માટે જરૂરી જથ્થો રાખે છે, વધારાનું ઉત્પાદન બજારમાં વેચીને સારી આવક પણ મેળવી રહ્યા છે. સિંચાઈની સતત ઉપલબ્ધિને કારણે પશુપાલન ક્ષેત્રને પણ નવી દિશા મળી છે. ખેડૂતો વર્ષભર લીલો ઘાંસચારો ઉગાડી પશુઓને પોષણયુક્ત ચારો પૂરો પાડી રહ્યા છે, જેના કારણે દૂધ ઉત્પાદન વધ્યું છે અને તેઓ ડેરીમાં દૂધ વેચીને પૂરક આવક પણ મેળવી રહ્યા છે. પરિણામે નર્મદા જિલ્લાના ખેડૂતોનું જીવનધોરણ અને આર્થિક સશક્તિકરણ બંનેમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

PM-KUSUM યોજના માત્ર સોલાર પંપ પૂરતી મર્યાદિત નથી. તે ખેડૂતોને સ્વચ્છ ઊર્જા, પાણીની સુલભતા, ઓછી ઉત્પાદન કિંમત, વધુ આવક અને પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક લાભો એકસાથે આપે છે. આ યોજના સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે પણ સુસંગત છે, કારણ કે તે સ્વચ્છ ઊર્જા, ગરીબી નિવારણ, જળ સંસાધન વ્યવસ્થાપન, જલવાયુ પરિવર્તન સામે લડત અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સૌથી વધુ લાભાર્થી ધરાવતા નર્મદા જિલ્લામાં PM-KUSUM-B આદિવાસી વિકાસનું સફળ મોડેલ બની છે. અહીં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ સફળ રહ્યો છે. ડુંગરાળ પ્રદેશ, જંગલ વિસ્તાર અને વરસાદ આધારિત ખેતી ધરાવતા દેશના અન્ય વિસ્તારો માટે નર્મદા જિલ્લાનો અનુભવ માર્ગદર્શક બની શકે છે.

આજે નર્મદા જિલ્લાના હજારો આદિવાસી ખેડૂતો માટે સૂર્ય માત્ર પ્રકાશનો સ્ત્રોત નથી રહ્યો; તે તેમની સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસનું પ્રતીક બની ગયો છે. PM-KUSUM યોજના થકી અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ વિકાસની નવી ગાથા લખાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande