

- કેવડિયા–તણખલા માર્ગ પર ડાયવર્ઝન પુનઃસ્થાપનની કામગીરી પ્રગતિમાં : ત્રણ સ્થળે વાહન વ્યવહાર ફરી શરૂ
રાજપીપળા,03 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં કેટલાક માર્ગો પર નિર્માણાધીન બ્રિજ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. હાલ વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા યુદ્ધના ધોરણે માર્ગોને પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કેવડિયા–તણખલા માર્ગ પર ચેઇનેજ-19 ખાતે આવેલ ડાયવર્ઝનના પુનઃસ્થાપનની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. વિભાગ દ્વારા જરૂરી મશીનરી અને માનવબળ સાથે સતત કામગીરી કરવામાં આવી રહી છે જેથી આ માર્ગ પણ વહેલી તકે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.
આ ઉપરાંત, કેવડિયા–તણખલા માર્ગ પર ચેઇનેજ-12, ચેઇનેજ-13 અને ચેઇનેજ-20 ખાતે આવેલા ત્રણેય ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે ગઈકાલે સાંજથી આ ત્રણેય સ્થળોએ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે, અને વાહનોની અવરજવર સુચારુ રીતે ચાલુ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાકીના અસરગ્રસ્ત સ્થળોએ પણ ઝડપભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેથી તમામ માર્ગો પર સામાન્ય વાહન વ્યવહાર વહેલી તકે પુનઃસ્થાપિત થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ