
અમદાવાદ, 03 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદના દરિયાપુરમાં આવેલી મનપસંદ કલબમાં ચાલતાં હાઈપ્રોફાઈલ જુગારમાં ગઈકાલે બપોરથી એસએમસીની રેડ ચાલી રહી છે.અગાઉ પણ આ ક્લબમાં અનેક રેડ થઈ છે.ગત વખતે રેડ દરમિયાન દરિયાપુર પીઆઇ અને પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા.
ગઈકાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં જુગારીઓ કલબમાં હાજર હતા. આ દરમિયાન રેડ થતા તમામને કલબમાં જ રાખવામાં આવ્યા છે. રેડ દરમિયાન એસએમસીના એસપી અને ડીઆઇજી સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા 20 કલાક વધુથી રેડ ચાલુ છે, હજુ આરોપીના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
મનપસંદ જીમખાનાનો મુખ્ય સંચાલક ગામો ઉર્ફે ગોવિંદ ડીદાસ પટેલ છે. ગામા સાથે એક નિવૃત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસનો બોબી પટેલ પણ જોડાયેલા હોવાની ચર્ચા છે. અગાઉ પણ આ ક્લબમાં અનેક રેડ થઈ છે. અગાઉની કેટલીક રેડમાં હાઈકોર્ટનો ઓર્ડર બતાવી ગામો બચી જતો હતો, ત્યારે આ વખતે એસએમસીની રેડમાં પોલીસના સંકજામાં આવી ગયા છે.
મોડી રાતે એસએમસીના એસપી અને ડીઆઇજી સહિતના અધિકારીઓ દોડી આવ્યા અને તપાસ કરી હતી.
દરિયાપુરના વાઘજીપુરામાં આવેલી મનપસંદ ક્લબમાં ગઈકાલે બપોરથી એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન કલબમાં જુગાર રમતા 180 જુગારીઓ ઝડપાયા હતા. જીમખાનામાં રેડ દરમિયાન ત્રણેય માળ પરના હોલમાં 35થી 40 ટૅબલ પર જુગારીઓ જુગાર રમતા હતા.
એસએમસીની ટીમે તમામની અટકાયત કરી મોબાઇલ ફોન, રોકડ રકમ, જુગારના કોઈન, વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રેડના 20 કલાક બાદ પણ કલબમાં હજુ આરોપીના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.
રેડ પૂરી થયા બાદ તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે. જોકે છેલ્લી રેડમાં પણ મોટી સંખ્યામાં આરોપીઓ હોવાથી તમામ આરોપીઓ એક દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આવી શકે તેમ ન્હોતા, જેથી આસપાસના પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા.આ રેડમાં પણ 150થી 180 જેટલા આરોપીઓ હોવાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સિવાય અન્ય પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવશે.
રેડ દરમિયાન એસએમસીના એસપી મયુર ચાવડા અને ડીઆઇજી વિશાલ વાઘેલા પણ મનપસંદ કલબ પર મોડી રાતે પહોંચ્યા હતા. આ રેડ દરમિયાન પણ સ્થાનિક પોલીસ સામે તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ સામે ડીજીપી પગલા લઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ