મહુવામાં ચોમાસા દરમિયાન જાહેર માર્ગો પર રખડતા માલઢોરનો ત્રાસ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ જાહેર માર્ગો પર રખડતા માલઢોરનો પ્રશ્ન ફરી એકવાર ગંભીર બન્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ તેમજ વ્યસ્ત બજાર વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગાય, બળદ અને અન્ય માલઢોર રસ્તાની
રસ્તા વચ્ચે બેસેલ ઢોર


ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ જાહેર માર્ગો પર રખડતા માલઢોરનો પ્રશ્ન ફરી એકવાર ગંભીર બન્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ તેમજ વ્યસ્ત બજાર વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગાય, બળદ અને અન્ય માલઢોર રસ્તાની વચ્ચે બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદી મોસમમાં રસ્તાઓ ભીના અને લપસણા બનતા હોવાથી માલઢોર વચ્ચે વાહન ચલાવવું જોખમી બની જાય છે. ખાસ કરીને સવારે અને સાંજના સમયે ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોવાથી અકસ્માતની સંભાવનાઓ પણ વધી રહી છે. અનેક વખત વાહનચાલકોને માલઢોરને બચાવવા માટે અચાનક બ્રેક મારવી પડતી હોય છે, જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાવાનો ભય રહે છે.

સ્થાનિક વેપારીઓ અને નાગરિકોનું કહેવું છે કે આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે, પરંતુ તેનું કાયમી નિરાકરણ લાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જાહેર માર્ગો પર માલઢોરના કારણે ટ્રાફિક અવરોધાય છે અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શહેરના જાગૃત નાગરિકોએ પાલિકા તંત્રને તાત્કાલિક રખડતા માલઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવા, પશુપાલકો સામે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જાહેર માર્ગો પરથી માલઢોર દૂર કરવાની માંગ કરી છે. લોકોનું માનવું છે કે સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં આવશે તો અકસ્માતોની સંભાવના ઘટશે, ટ્રાફિક વ્યવસ્થા સુધરશે અને શહેરના નાગરિકોને પણ રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande