

ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેની 29 વર્ષની સામાજિક અને સાંસ્કૃતિક સેવાની પરંપરાને આગળ ધપાવતાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત 8મો ઉદગમ સુરોત્સવ' આંબેડકર હોલ, ગાંધીનગર ખાતે ભારે વરસાદમાં સંગીતરસિકોની ઉપસ્થિતિ વચ્ચે સફળ રીતે યોજાયો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય શાસ્ત્રીય સંગીતના સ્વરોથી સભાગૃહ સંગીતમય બની ગયું હતું.
ઉદગમના મે. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમ શબ્દ સુરોત્સવમાં, સહુને ઉદ્દગમના કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગતમાં જણાવ્યું કે આ ઉદગમ સુરોત્સવે ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા, ગુરુ-શિષ્ય પરંપરા અને સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતાં ગાંધીનગરના સાંસ્કૃતિક જીવનમાં એક વધુ યાદગાર અધ્યાય ઉમેરવાનો પ્રયાસ છે. મુખ્ય મેહમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, અતિથિ વિશેષ ગાંધીનગર સાહિત્ય સભાના અધ્યક્ષ જય થોરાત, ઉપાધ્યક્ષ રમણભાઈ વાઘેલા અને મહામંત્રી કેતનભાઈ નાણાવટી અને ઉદગમના ટ્રસ્ટી ચાણક્ય જોષી અને મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષી એ દીપ પ્રાગટ્ય કર્યું હતું.
મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના સુંદર સમાજલક્ષી કાર્યોની પ્રસંશા કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.અતિથિ વિશેષ ગાંધીનગર સાહિત્ય સભાના અધ્ય્ક્ષ સંજય થોરાતે ઉદગમના ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધનના કાર્યો અને સામાજિક કાર્યોની મુક્તમને પ્રસંશા કરી હતી. ત્યારબાદ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક સમર્થ જાનવેની ગાયકીથી થઈ હતી. તેમણે રાગ મેઘમાં વિલંબિત બંદિશ મેઘશ્યામ શ્યામ રંગ તન છાયો રજૂ કરીને રાગનું ગાંભીર્ય અને સૌંદર્ય પ્રગટાવ્યું હતું. ત્યારબાદ દ્રુત લયની બંદિશ ઉમડ ઘુમડ ઘન ગરજ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આગળ તેમણે રાગ સૂરદાસી મલ્હારમાં ચમક ન લાગે બિજુરી રજૂ કરી હતી, જેને ઉપસ્થિત સંગીતરસિકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
ત્યારબાદ સમર્થ જાનવેના શિષ્ય દુષ્યંતસિંહે રાગ બાગેશ્રીમાં મધ્યલયની બંદિશ પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી તેમજ દ્રુત લયની આપને ગરજ પકડ લીની બૈયાં રજૂ કરીને પોતાની સંગીતસાધના અને પરિપક્વતાનો સુંદર પરિચય આપ્યો હતો. સમર્થ જાનવેના અન્ય શિષ્ય ભુવને પણ ગાયનમાં સુંદર સંગત આપી હતી.
ત્યારબાદ સિદ્ધ વીણાના ખ્યાતનામ વાદક સિદ્ધાર્થ બેનર્જીએ, રાગ દેશમાં પોતાના વાદનની અનોખી છટા રજૂ કરી હતી. તેમની વીણાના મધુર સ્વરોએ સમગ્ર સભાગૃહને ભાવવિભોર કરી દીધું હતું.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સમર્થ જાનવે અને સિદ્ધાર્થ બેનર્જી વચ્ચે રજૂ થયેલી અનોખી જુગલબંધી રહી હતી. જેમાં રાગ ખમાજ અને મિશ્ર ખમાજના રંગમાં આન મિલો સજના, આયો કહાં સે ઘનશ્યામ તેમજ લોકપ્રિય મરાઠી અભંગ માઝે માહેર પંઢરીની પ્રસ્તુતિને શ્રોતાઓએ ભારે દાદ આપી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ રાગ અડાણાની રચના માત કાલિકા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરના મોહિત સુરાણીએ તબલા પર અને દીપેશ સુથારે હાર્મોનિયમ પર ઉત્કૃષ્ટ સંગત આપી હતી, જેના કારણે દરેક રજૂઆત વધુ પ્રભાવશાળી બની હતી.
કાર્યક્રમનું અસરકારક અને સૌમ્ય સંચાલન પારુલબેન મેહતાએ કર્યું હતું. કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓમાંના આશા સરવૈયા, કલાગુરુ ડો. પ્રાચી ત્રિવેદી, દિક્ષિતા જોષી, વાગ્મી જોષી, કિરાત જોષી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઉદગમ ટ્રસ્ટ દ્વારા તમામ મહેમાનો, કલાકારો, સહયોગીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સંગીતરસિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ