
ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.)રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે આધુનિક સંચાર પ્રણાલી (એ.આઈ.)ના માધ્યમથી રાજ્યના પસંદગીના સરપંચો સાથે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ કાર્યશાળા અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે સહભાગી બની જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો હતો.
કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો તેમજ ગ્રામ્ય સ્તરે ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી મુક્ત કરી પર્યાવરણમૈત્રી ખેતી તરફ પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ, ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉમરાળા ગામમાં પંચાયતીરાજ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે ગ્રામ પંચાયત દ્વારા અનેક લોકોપયોગી તેમજ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ હેઠળ પંચાયતના સભ્યો અને ગ્રામજનોના સહયોગથી ગામમાં સ્વચ્છતા, મૂળભૂત સુવિધાઓ, પર્યાવરણ સંરક્ષણ અને વિકાસલક્ષી યોજનાઓનો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યના પસંદ કરાયેલા સરપંચોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને ‘સરપંચ સહભાગિતા સન્માન પત્ર’ એનાયત કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ભાવનગર જિલ્લા માટે ગૌરવની બાબત બની છે.
આ કાર્યશાળા દ્વારા સરપંચોને પ્રાકૃતિક ખેતી અંગે નવી માહિતી અને માર્ગદર્શન મળ્યું, જેનો લાભ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો સુધી પહોંચાડી વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA