
અમદાવાદ,03 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી એટલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉ.રાજુલ ગજ્જરનો 3 વર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે કાર્યકારી કુલપતિ તરીકે જીટીયુના પ્રોફેસર અને સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર વૈભવ ભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે.
જીટીયુંના પ્રોફેસર વૈભવ ભટ્ટ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી માઈક્રોબાયોલોજીમાં M.Sc. અને બાયોટેકનોલોજીમાં Ph.D.ની પદવી મેળવેલી છે. તેમજ વર્ષ 2020 થી 2022 દરમિયાન GTU ખાતે AIC-GISC ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે પણ રહી ચૂક્યા છે.
નિયમ મુજબ, કોઈપણ યુનિવર્સિટીમાં કુલપતિની મુદત પૂરી થવાના ત્રણ મહિના પહેલાં સર્ચ કમિટીની રચના કરવાની હોય છે, પરંતુ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાથી નવા કાયમી કુલપતિની પસંદગી અટકી પડી છે. પરિણામે, ગુજરાત યુનિવર્સિટીની જેમ જીટીયુ માં પણ ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી છે.
ડૉ.રાજુલ ગજ્જર જીટીયુના ઇતિહાસમાં પ્રથમ મહિલા કુલપતિ તરીકે ઓગસ્ટ,2023માં રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE)ના કુલપતિ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ 2016માં સાત મહિના માટે જીટીયુના ઇન્ચાર્જ કુલપતિ પણ રહ્યા હતા. વર્ષ 2007માં સ્થાપિત જીટીયુના આજે રાજ્યની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી છે, જેની સાથે 480થી વધુ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને ડિપ્લોમા સંસ્થાઓ સંલગ્ન છે અને ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સામાન્ય રીતે કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં ઓછામાં ઓછા 3 મહિના અગાઉ સર્ચ કમિટી બનાવવામાં આવતી હોય છે. તેમજ કુલપતિનું પદ ખાલી થયા તેની જગ્યા પર નવા કુલપતિની નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ હજુ સુધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા કુલપતિ માટે સર્ચ કમિટીની રચના કરવામાં આવી નથી. તેમજ સરકાર દ્વારા સર્ચ કમિટીની લઈને નિર્ણય ક્યારે લેવાશે તે પણ હજુ નક્કી નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ