મજૂર પિતાના પુત્રે યોગમાં રચ્યો ઇતિહાસ, 22 ગોલ્ડ સહિત 31 મેડલ જીતી બન્યો યુવાનો માટે પ્રેરણા
ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના યુવા ખેલાડી સોલંકી કરણભાઈ મોબ્બતભાઈએ પોતાની મહેનત, શિસ્ત અને અડગ સંકલ્પના બળે યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. હાલ તેઓ ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસની સાથે યોગમાં પણ સતત
મેડલ મેળવનાર યુવક


ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના યુવા ખેલાડી સોલંકી કરણભાઈ મોબ્બતભાઈએ પોતાની મહેનત, શિસ્ત અને અડગ સંકલ્પના બળે યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. હાલ તેઓ ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસની સાથે યોગમાં પણ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.

વર્ષ 2019થી યોગ સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરૂઆત કરનાર કરણભાઈએ આજે સ્થાનિકથી લઈને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.

અત્યાર સુધીમાં તેમણે કુલ 22 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ એમ કુલ 31 મેડલ જીતીને યોગ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે. તેમની આ સફળતા પાછળ પરિવારનો સંઘર્ષ અને સતત મળતું પ્રોત્સાહન મહત્વની ભૂમિકા ભજવે છે. કરણભાઈના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, છતાં પુત્રના સપનાઓને સાકાર કરવા માટે તેમણે ક્યારેય પાછું પગલું ભર્યું નથી.

કોચના માર્ગદર્શન હેઠળ કરણભાઈ દરરોજ ત્રણથી ચાર કલાક નિયમિત પ્રેક્ટિસ કરે છે. શરીરની લવચીકતા, માનસિક એકાગ્રતા અને યોગ્ય ટેકનિક પર વિશેષ ધ્યાન આપવાની સાથે તેઓ સંતુલિત આહારનું પણ કડક પાલન કરે છે. પૌષ્ટિક ખોરાક અને નિયમિત તાલીમના કારણે તેઓ દરેક સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ઉતરી સફળતા હાંસલ કરી રહ્યા છે.

સામાન્ય મજૂર પરિવારમાંથી આવતા કરણભાઈની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે આર્થિક પરિસ્થિતિ નહીં, પરંતુ મહેનત, નિયમિતતા અને દૃઢ ઇચ્છાશક્તિ જ સફળતાની સાચી ચાવી છે. તેમની પ્રેરણાદાયી સફર અન્ય યુવાનોને રમતગમતમાં આગળ વધવા અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે નવી પ્રેરણા પૂરી પાડી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande