



છોટાઉદેપુર,04 ઓગસ્ટ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં વર્ષના સૌથી મહત્વના તહેવારો પૈકીના એક એવા દિવાસા પર્વની ગામેગામ પરંપરાગત અને આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વાવણીનું કઠિન કાર્ય પૂર્ણ થયા બાદ આદિવાસી સમાજ પ્રકૃતિ, પૂર્વજો અને ગ્રામદેવતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે સારા વરસાદ અને સમૃદ્ધ પાકની પ્રાર્થના કરી દિવાસા પર્વ ઉજવે છે.
અષાઢ માસની અમાસના દિવસે ઉજવાતા આ પર્વની તારીખ દરેક ગામમાં સામૂહિક બેઠક દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ગામના કોટવાળ દ્વારા પરંપરાગત ઢબે પોકાર કરીને સમગ્ર ગામને તહેવારની જાણ કરવામાં આવે છે, જેના બાદ પરિવારો તહેવારની તૈયારીઓમાં જોડાઈ જાય છે.
દિવાસા નિમિત્તે ગામેગામ આવેલા આદિવાસી દેવસ્થાનો, સીમ દેવો તથા પૂર્વજોના સ્થાનો પર વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગામના બડવા દ્વારા ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવી સમગ્ર ગામની સુખાકારી, સારા વરસાદ અને ઉત્તમ પાક માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રસંગે ખેતરોમાં વાવેલા પવિત્ર ધાન્યની પણ પૂજા કરવામાં આવે છે.
આ વર્ષે જિલ્લામાં સારો વરસાદ થતાં દિવાસા પર્વની ઉજવણીમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ધાર્મિક વિધિઓ બાદ સાંજ પડતાં ગામોમાં પરંપરાગત વેશભૂષામાં પુરુષો અને મહિલાઓ આદિવાસી લોકનૃત્ય અને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. મોડી રાત સુધી ચાલતા આ લોકનૃત્યો આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખે છે.
દિવાસા દરમિયાન આ વર્ષે લગ્ન કરેલી યુવતીઓ સજીધજીને ગામના આદિ દેવસ્થાનો પર દાળિયાંનું પૂજન કરી ગામજનોને દાળિયાં વહેંચવાની પરંપરા પણ નિભાવે છે. ઉપરાંત પૂર્વજોને સ્મરી વિશેષ પૂજા, પ્રસાદ અને સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે, જે આદિવાસી સમાજની એકતા અને આત્મીયતાનું પ્રતીક માનવામાં આવે છે.
જિલ્લાના આદિવાસી અગ્રણી વાલસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે દિવાસા માત્ર તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, ધરતી, જળ, જંગલ અને પૂર્વજો પ્રત્યેની આસ્થા તથા આદિવાસી ઓળખનું જીવંત પ્રતીક છે. નવી પેઢી આ પરંપરા અને લોકસંસ્કૃતિને જાળવી રાખે તે સમયની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
આમ, છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ માટે દિવાસા પર્વ ધાર્મિક આસ્થા, પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા અને સામૂહિક એકતાનો અનોખો ઉત્સવ બની રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં દિવાસા પર્વની પરંપરાગત ઉજવણી
,વાવણી બાદ પ્રકૃતિ પૂજા, પૂર્વજોના સ્મરણ અને સામૂહિક એકતાનો અનોખો ઉત્સવ ઉજવવા માં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ