


છોટાઉદેપુર,04 ઓગસ્ટ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના સંખેડા નગરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કુતૂહલ સર્જતો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલી ઓરસંગ નદીના કિનારેથી એક એવો અનોખો પથ્થર મળી આવ્યો છે, જે સામાન્ય પથ્થરોની જેમ પાણીમાં ડૂબી જવાને બદલે સપાટી પર તરે છે.
આ ઘટના પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.મળતી માહિતી મુજબ, ગઈકાલે સંખેડાનો એક સ્થાનિક યુવક ઓરસંગ નદીના કિનારે ફરવા માટે ગયો હતો. આ દરમિયાન તેનું ધ્યાન કિનારે પડેલા એક વિશિષ્ટ પથ્થર પર ગયું. કુતૂહલવશ જ્યારે તે પથ્થરને પાણીમાં મૂકવામાં આવ્યો, ત્યારે ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભારે વજનદાર દેખાતો આ પથ્થર પાણીમાં નાખતા જ ડૂબવાના બદલે લાકડાની જેમ ઉપર તરવા લાગ્યો હતો.હાલમાં આ અદ્ભુત અને રહસ્યમય તરતો પથ્થર સંખેડાના બઝાર રોડ પર આવેલી 'ગુજરાત હોટલ' ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે.
આ અનોખા પથ્થરના સમાચાર વાયુવેગે સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. આ ચમત્કારિક દ્રશ્યને પોતાની નજરે નિહાળવા માટે ગુજરાત હોટલ ખાતે સ્થાનિક લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.લોકો આ ઘટનાને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. ગ્રામજનો અને કેટલાક શ્રદ્ધાળુઓ તેને ભગવાનનો એક શુભ સંકેત અને પ્રકૃતિનો મોટો ચમત્કાર માનીને તેની પૂજા-અર્ચના પણ કરી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકો તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્યુમિસ સ્ટોન (જ્વાળામુખીના લાવામાંથી બનતો પથ્થર) હોવાનું અનુમાન લગાવી રહ્યા છે, જેમાં હવાના પોલાણને લીધે તે પાણી પર તરે છે. જોકે, સત્ય ગમે તે હોય, પણ હાલ તો આ તરતો પથ્થર સંખેડામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ